Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સૌરાષ્ટ્રના એક શિક્ષક, કલાર્ક અને સેનેટરી ઇન્સ્પેકટરની કરોડોની બેનામી સંપતીનો પર્દાફાશ

અમરેલી એસપી નિલિપ્તરાય દ્વારા એસીબીને આપેલી મહત્વની માહીતીઓના આધારે કરોડોની અપ્રમાણસર મિલ્કતો શોધી કઢાઇ : ચાલુ વર્ષમાં કુલ ૧૬ આરોપીઓ વિરૂધ્ધ ર૩ કરોડની બેનામી સંપતી અંગે ગુન્હા દાખલ : એસીબી વડા કેશવકુમાર સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૩: રાજયના એસીબી વડા કેશવકુમાર દ્વારા લોકોને જે ખાતાઓ સાથે રોજબરોજનો પનારો છે તેવા ખાતાઓને ટાર્ગેટ કરવા સાથે સામાન્ય હોદાઓ ઉપર  રહેવા છતા કરોડોની બેનામી સંપતિઓ શોધી કાઢવાના અભિયાનમાં સૌરાષ્ટ્રના એક શિક્ષક, કલાર્ક અને એક સેનેટરી ઇન્સ્પેકટર પાસેથી કરોડોની બેનામી સંપતિ એકઠી થવા સાથે ચાલુ વર્ષ દરમિયાન કુલ ૧૬ આરોપીઓ પાસેથી ૨૨ કરોડ ૮૬ લાખથી વધુ રકમની અપ્રમાણસર મિલ્કતો શોધી કઢાઇ હોવાનું એસીબી સૂત્રો જણાવે છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં એસીબી વડા કેશવકુમારે જણાવેલ કે અમરેલી  જીલ્લાના રાજુલા તાલુકાના બાલાનીવાવના  હાલ ફરજ મોકુફ એવા સરકારી પ્રાથમીક શાળાના શિક્ષક ભાભલુભાઇ નાગભાઇ વરૂ પાસેથી ૧,ર૬,૬ર,રર૩ ની અર્થાત એક કરોડ ર૬ લાખ ૬ર હજાર રર૩ની બેનામી મિલ્કત જુનાગઢ એસીબીના મદદનિશ નિયામક બી.એલ.દેસાઇ ટીમ દ્વારા શોધી કઢાઇ છે. બનાવની વિશેષ તપાસ મદદનીશ એસીબી નિયામક એન.ડી.ચૌહાણના સુપરવીઝન હેઠળ ગીર સોમનાથ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.પટેલને સુપ્રત કરવામાં આવી છે.

એસીબી વડા કેશવકુમારે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે ઉકત શિક્ષકની બેનામી સંપતી અંગેની માહીતી અમોને અમરેલીના પોલીસ અધિક્ષક નિલિપ્ત રાય તરફથી મળી હતી. મિલ્કત શોધખોળમાં પણ તેઓ મદદરૂપ બન્યા હતા.

આજ રીતે સાવરકુંડલાના નગર પાલીકાના કલાર્ક કિશોરભાઇ શેખવા પાસેથી એક કરોડ ૩૩ લાખ ૪પ હજાર ૮૦૦ પુરા તથા સાવરકુંડલા નગર પાલીકાના સેનેટરી ઇન્સ્પેકટર રોહીતભાઇ શેખવા પાસેથી એક કરોડ પંચ્યાસી લાખ ચાલીસ હજાર ત્રણસો ચોર્યાસીની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. જેમાં પણ અમરેલી એસપી નિલિપ્ત રાય દ્વારા એસીબીને માહીતી અપાયાનું કેશવકુમારે જણાવવા સાથે દરેક જીલ્લાના એસપીઓ આ રીતે એસીબી અભિયાનમાં સામેલ થાય તેવી અપીલ કરી હતી.

આવી જ રીતે ભરૂચના વર્ગ-૩ના ફિલ્ડ આસીસ્ટન્ટ શીબાભાઇ ઉર્ફે ભુપતભાઇ વળીયા પાસેથી પણ એક કરોડ પંદર લાખ અઢાર હજાર અને ત્રણસો પચાસ રૂપીયાની અપ્રમાણસરની મિલ્કતો મળી આવી છે. જેની આગળની તપાસ એસીબી ફિલ્ડ-૩, ઇન્ટેવીંગ મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણના સુપરવીઝન હેઠળ ભાવનગર એસીબી પોલીસ મથકના પીઆઇ ડી.કે.વાઘેલાને સુપ્રત થયાનું એસીબી વડાએ જણાવેલ. તેઓએ ઉપરોકત કેસ તથા અન્ય કોઇ સરકારી અધિકારી / કર્મચારીઓની અપ્રમાણસર મિલ્કત તથા બેનામી મિલ્કતો અંગે કોઇ જાણકારી હોય તો એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ તથા વોટસએપ નંબર ૯૦૯૯૯૧૧૦પપ પર મોકલી આપવા અપીલ કરી છે.

(12:13 pm IST)