Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમદાવાદમાં ૪૦ ટકા કોરોના દર્દીઓમાં એન્ટી બોડી જોવા ન મળી : એએમસી દ્વારા સર્વેમાં ખુલાસો

અમદાવાદઃ કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદ વાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલા બે સર્વે ચિંતાજનક છે. એએમસીના આ સર્વેમાં ૪૦ ટકા દર્દીઓ એન્ટીબોડી જોવા મળી નથી. એએમસીએ હર્ડ ઇમ્યુનિટી પર બીજો સર્વે કર્યો છે. જેમાં ૧૦ હજાર લોકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં માત્ર ૨૩.૨૪ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જો કે હર્ડ ઇમ્યુનિટીમાં ૬૦થી ૭૦ ટકા ઇમ્યુનિટી હોવી જરૂરી છે. તેથી અમદાવાદમાં હજી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઇ નથી. ICMR ની ગાઈડલાઈન અનુસાર ૭૦ થી ૮૦ ટકા લોકો કોરોના સંક્રમિત થાય તો હર્ડ ઇમ્યુનિટી વિકસી શકે છે.

અન્ય એક સર્વે પણ ચિંતા ઉપજાવે તેવો સામે આવ્યો છે. જે મુજબ કોરોનાથી સંક્રમિત થયેલા લોકોએ સાવધાન રહેવાનું જરૂરી છે. કોરોના પોઝિટિવ થયા બાદ ૪૦% દર્દીઓમાં રોગ પ્રતિકારક શકિત ખૂબ ઓછી હોવાનું સામે આવ્યું છે. ત્રણથી ચાર માસ બાદ ફરી કોરોનાને મ્હાત આપેલા દર્દીઓ પણ કોરોના પોઝિટિવ બની શકે તેમ સર્વેમાં જણાવાયું છે.

અમદાવાદમાં વધુ ૧૬૯ કેસ નોંધાતા કુલ આંકડો ૩૧૮૪૭ પર પહોંચ્યો છે. જોકે ૨૬૫૪૧ દર્દીઓ કોરોનાને મ્હાત પણ આપી ચૂકયા છે. રાજયમાં સતત બીજા દિવસે ૧૩૦૦થી વધારે કેસ નોંધાયા હતા. બુધવારે ૧૩૦૫ કોરોના કેસ નોંધાયા હતા. રાજયમાં બુધવારે વધુ ૧૨ લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૩૦૪૮ પર પહોંચ્યો છે. રાજયમાં હાલ ૧૫,૯૪૮ એકિટવ કેસ છે, જયારે ૮૦,૦૫૪ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજયમાં ૯૪ દર્દી વેન્ટીલેટર પર છે અને ૧૫,૮૫૪ લોકો સ્ટેબલ છે. રાજયમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯૯,૦૫૦ પર પહોંચી છે.

(2:46 pm IST)