Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

વડોદરાના બહુચર્ચિત શેખ બાબુ હત્‍યાકાંડમાં તત્‍કાલીન પીઆઇ-પીએસઆઇ સહિત 6 આરોપીઓના કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્‍ડ મંજૂર

વડોદરા: વડોદરાનાં બહુચર્ચિત શેખ બાબુ હત્યાકાંડનાં તમામ 6 આરોપીઓનાં કોર્ટે 10 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા છે. સીઆઇડી ક્રાઇમમાં હાજર થયેલા તત્કાલીન PI, PSI સહીત 6 આરોપીઓને વડોદરાની અદાલતમાં રજૂ કરાયા હતાં.

વડોદરા શહેરના બહુ ચર્ચિત શેખ બાબુ હત્યા પ્રકરણની તપાસ સી.આઇડી ક્રાઇમને સોંપાયાના ગણત્રીના દિવસોમાં તમામ ગુનેગોરીએ શરણાગતિ સ્વીકારી હાજર થયા હતા. જો કે તમામને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરી આજરોજ બુધવારે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

શેખ બાબુની હત્યા મામલે ગત તા 6 જૂલાઇના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે 6 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો હતો. આ મામલાની તપાસ એસીપી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહી હતી. તેવામાં પોલીસને ગુનાના કામે વપરાયેલી સફેદ રંગની કાર હાથે લાગી હતી. પરંતુ શેખ બાબુના હત્યારાઓ સુધી પહોંચી વળવા પોલીસના હાથ ટુંકા પડી રહ્યાં હતા. જેથી આખરે આ સમગ્ર મામલો સીઆઇડી ક્રાઇમ પાસે પહોંચ્યો હતો.

ગણત્રીના દિવસોમાં ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ ડી.બી ગોહીલ, પી.એસ.આઇ ડી.એમ રબારી સહીત ચાર એલ.આર.ડી બે દિવસ અગાઉ સી.આઇ.ડી ક્રાઇમમાં હાજર થયા હતા. ત્યારબાદ તમામને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં હતા. જો કે મંગળવારે મોડી રાત્રે તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરી સી.આઇડી ક્રાઇમે તેમના 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આજે બુધવારે અદાલતમાં રજૂ કર્યા હતા.

સમગ્ર ચકચારી પ્રકરણની તપાસ કરી રહેલ સીઆઇડી ક્રાઇમે રિમાન્ડનાં 16 મુદ્દા રજુ કરી આરોપીઓનાં 14 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતાં.. અદાલતે બંને પક્ષોની દલીલો બાદ આરોપીઓનાં 11 સપ્ટેમ્બર સુધી 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

(5:09 pm IST)