Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના વિસ્ફોટ : BAPSના 28 સાધુ -સંતો, કર્મચારી થયા સંક્રમિત

એએમસી આરોગ્ય વિભાગે 150 સાધુ-સંતો અને કર્મચારીના ટેસ્ટિંગ કર્યા હતા

અમદાવાદ : શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના વિસ્ફોટ થયો છે. BAPSના 28 સાધુ -સંતો અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે.

 

એએમસી આરોગ્ય વિભાગે 150 સાધુ-સંતો અને કર્મચારીના ટેસ્ટિંગ કર્યા હતા. જેમાંથી 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાધુ - સંતો પોઝિટિવ આવતા તેઓને ક્વૉરન્ટાઇન અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી.આ પહેલા એએમસીના ટેસ્ટિંગમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો સંક્રમિત થયા હતા.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે એએમસી દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં એક સંઘન ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એએમસી દ્વારા અલગ-અલગ પ્રાઇવેટ સંસ્થામાં, બાંધકામ સાઇટ સહિત ઘણા સ્થાને કોરાનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

થોડા દિવસ પહેલા વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ પાસે આવેલ પીએસપી કોલોનીમાં મોટાભાગે ઉતર પ્રદેશથી રોજગાર અર્થે આવી વસવાટ કરતા મજૂર વર્ગના પરપ્રાંતિય વ્યક્તિઓના ટેસ્ટિંગની કામગીરી દરમિયાન કુલ 750 માંથી 125 પોઝિટિવ કેસ મળી આવેલ છે.

(10:32 pm IST)