Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગરબા રમતાં રમતાં મળ્‍યું મોત : યુવક અચાનક ઢળી પડયો

ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા ગાતા ગાતા બે દિવસમાં બે યુવાનોના મોત નીપજ્‍યા હોવાનું સામે આવ્‍યું છે

આણંદ,તા.૩ : ગુજરાતમાં હાલ નવરાત્રી પુરજોશમાં જામી છે ત્‍યારે ખેલૈયાઓ મન મુકીને ગરબામાં ઘુમી રહ્યા છે. તો બીજી બાજુ નવરાત્રીમાં ગરબા ગાતા ગાતા બે દિવસમાં બે યુવાનોના મોત નીપજયા હોવાનું સામે આવ્‍યુ છે. રાજકોટના વાવડી વિસ્‍તારમાં કારખાનું ધરાવતા ૫૨ વર્ષના પ્રવીણભાઇ દેથરિયા ગરબા રમી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ઢળી પડતા બાદ તેમનું મોત નીપજયુ હતુ. આ સાથે આણંદના તારાપુરની શિવશક્‍તિ સોસાયટીમાં ગરબા રમોત્‍સવ ચાલી રહ્યો હતો. તે દરમિયાન વિરેન્‍દ્રસિંહ રાજપૂત નામના યુવક પણ ગરબા રમી રહ્યો હચો એ દરમિયાન જ અચાનક ઢળી પડતા મોતને ભેટ્‍યો હતો. અચાનક બનેલા આવા કરૂણ બનાવોને કારણે લોકોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

રાજકોટના બનાવની વાત કરીએ તો, વાવડી વિસ્‍તારમાં કારખાનું ધરાવતા ૫૨ વર્ષના પ્રવીણભાઈ મૂળજીભાઈ દેથરિયા ધનરાજ પાર્કમાં ગરબા રમી રહ્યા હતા. રાજકોટના વાવડી વિસ્‍તારમાં આવેલા ૮૦ ફૂટ રોડ પર ધનરાજ પાર્કમાં અહીંના સ્‍થાનિકો પણ ગરબે રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને ચક્કર આવતા તેઓ ઢળી પડયા હતાં. જેથી બધા તેમને હોસ્‍પિટલ લઇ ગયા હતા. અહીં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચારને કારણે પરિવારની સાથે આખા વિસ્‍તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મૃતક પ્રવિણભાઇને સંતાનમાં દીકરો અને દીકરી છે.

આવો જ એક બનાવ આણંદમાં પણ બન્‍યો છે. આણંદના તારાપુરની શિવ શક્‍તિ સોસાયટીમાં ગરબા મહોત્‍સવ ચાલી રહ્યો હતો. જેમાં વિરેન્‍દ્ર રાજપૂત નામનો યુવાન ગરબા રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ ઢળી પડ્‍યો હતો. જોકે, તાત્‍કાલિક સ્‍થાનિક યુવકને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. પરંતુ તેનું રસ્‍તામાં જ મોત નીપજયુ હતુ. આ અચાનક થયેલા મોતને કારણે પરિવાર સહિત આખા વિસ્‍તારમાં શોકનો માહોલ છવાયો હતો

યુવકના લાઇવ મોતનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, મોતની થોડી જ મિનિટો પહેલા આ યુવાન હસી પણ રહ્યો હતો અને સ્‍વસ્‍થ લાગી રહ્યો હતો.

(10:42 am IST)