Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

‘અનલકી ૧૩': લોકોની અંધશ્રદ્ધા સામે બિલ્‍ડરો પણ નમી રહ્યા છેઃ ઊંચી ઈમારતોમાં ૧૨ પછી સીધો ૧૪મો માળઃ ૧૩મો માળ જ નહિ

કેટલાય ડેવલપરોએ તેમના પ્રોજેક્‍ટ્‍સમાં ૧૨મા માળ પછીના માળનું નામ ૧૪ રાખી દીધું છે

અમદાવાદ, તા.૩: ૧૩ના અંકને અપશુકનિયાળ ગણવામાં આવે છે. ૧૩ તારીખે લોકો મોટાભાગે શુભ કાર્યો કરવાનું ટાળતા હોય છે. ઘર કે દુકાન ખરીદતી વખતે પણ ૧૩ નંબરની પ્રોપર્ટી ના ખરીદાઈ જાય તે અંગે અમુક લોકો સતર્કતા રાખે છે. આ વાત અમદાવાદના બિલ્‍ડરો પણ સારી રીતે સમજે છે. એટલે જ કેટલાય ડેવલપરોએ તેમના પ્રોજેક્‍ટ્‍સમાં ૧૨મા માળ પછીના માળનું નામ ૧૪ રાખી દીધું છે. રિયલ એસ્‍ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે અહીં મુદ્દો ન્‍યૂમરોલોજીનો નથી પરંતુ તેઓ ખરીદદારોની લાગણીઓને માન આપવા માગે છે. ઘણાં લોકો એવા છે જે ૧૩ના આંકને અપશુકનિયા ગણીને આ માળે પ્રોપર્ટી ખરીદતા ખચકાય છે.

હકીકતે તો ઘણાં બિલ્‍ડરોએ એવું કર્યું છે કે, ૧૨ પછીના માળને ૧૪ ગણાવી દીધો છે. અમદાવાદની એક રિયલ એસ્‍ટેટફર્મના ડાયરેક્‍ટર યશ શાહે કહ્યું, ‘અમે ૧૨થી વધુ માળના સાત પ્રોજેક્‍ટ્‍સનું બાંધકામ કર્યું છે. જોકે, તેમાંથી છમાં ૧૩મો માળ નથી. છમાંથી ત્રણ રેસિડેન્‍શિયલ બિલ્‍ડિંગ છે અને ત્રણ કોમર્શિયલ છે. આમ કરવા પાછળનું કારણ એ જ છે કે, ૧૩ના અંક સાથે જોડાયેલી જગ્‍યા અમારે ઘણીવાર ઓછી કિંમતે વેચવી કે ભાડે આપવી પડે છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા

આ ટ્રેન્‍ડ નિર્માણ પામેલા અને નિર્માણાધિન બંને પ્રકારના બિલ્‍ડિંગ્‍સમાં જોવા મળી રહ્યો છે. સરકારે અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્‍તારોમાં હાયર ફ્‌લોર સ્‍પેસ ઈન્‍ડેક્‍સ (FSI)ને મંજૂરી આપી છે. એવામાં આગામી પાંચ વર્ષમાં ૩૦થી ૪૦ માળના કેટલાય ઊંચા બિલ્‍ડિંગો બનશે. ઈન્‍ટરનેશનલ ફાઈનાન્‍શિયલ સર્વિસ સેન્‍ટર (IFSC) નજીક આવેલા ગિફ્‌ટ સિટી કેમ્‍પસમાં જે રેસિડેન્‍શિયલ પ્રોજેક્‍ટ આકાર લઈ રહ્યો છે તેમાં પણ ૧૩ નંબરનો માળ નહીં હોય.

અમદાવાદના ડેવલપર દીપ વડોદરિયાએ જણાવ્‍યું, ‘૧૩ નંબર ઘણીવાર ખરીદદારની નિર્ણયશક્‍તિ પર વિપરીત અસર પાડે છે. એટલે જ ગિફ્‌ટ સિટી કેમ્‍પસમાં આકાર લઈ રહેલા ૩૩ માળના રેસિડેન્‍શિયલ બિલ્‍ડિંગમાં અમે ૧૩મા લેવલને ૧૩મા માળ તરીકે નામ આપવાનું ટાળ્‍યું છે.'

અમદાવાદના ડેવલપર અને ક્રેડાઈ (CREDAI)ના ગુજરાતના ચેરમેન અજય પટેલે પણ કંઈક આવું જ કર્યું છે. તેમણે કહ્યું, ૅલોકો ન્‍યૂમરોલોજીમાં વિશ્વાસ ધરાવે છે. કોઈ પ્રોપર્ટી ખરીદતી કે વેચતી વખતે આપણે કોઈની વ્‍યક્‍તિગત માન્‍યતા સામે દલીલના કરી શકીએ. અમે સેટેલાઈટના એક પ્રોજેક્‍ટમાં ૧૨મા માળ પછીના માળને ૧૪ નંબર આપી દીધો છે. કોમર્શિયલ પ્રોજેક્‍ટમાં અમે આમ કર્યું છે.'

નવી પ્રોપર્ટી ખરીદતી વખતે લોકો વાસ્‍તુશાષાનું વિશેષ ધ્‍યાન રાખતા હોય છે. પૂર્વ દિશા તરફનો પ્રવેશદ્વાર કે બાલકની હોય તેનું ધ્‍યાન રાખવામાં આવે છે. આ જ પ્રકારે હવે લોકોની નિર્ણયશક્‍તિ પર ન્‍યૂમરોલોજીની અસર પણ વધતી દેખાઈ રહી છે. ‘ખરીદદારો ઘણીવાર પ્રોપર્ટીની દિશા અને નંબર વિશે પૂછતા હોય છે. ૧૩ નંબરનો માળ, ૧૩ નંબરની ઓફિસ કે પછી દક્ષિણ દિશા તરફની પ્રોપર્ટી ખરીદવાનું લોકો ટાળતા હોય છે. આ પ્રકારની પ્રાથમિકતા મોટાભાગે કોમર્શિયલ કરતાં રેસિડેન્‍શિયલ પ્રોપર્ટીની ખરીદી વખતે હોય છે. દાખલા તરીકે, સિંધુભવન રોડ અને આનંદનગર રોડ ઉત્તર અને પશ્‍ચિમ દિશા તરફના છે તેમ છતાં અહીં કોઈપણ શંકા રાખ્‍યા વિના પ્રોપર્ટી ખરીદવામાં આવી છેૅ, તેમ રિયલ એસ્‍ટેટ કન્‍સલ્‍ટન્‍ટ દીપેન ઠક્કરે જણાવ્‍યું.

(3:49 pm IST)