Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

આણંદમાં ગરબા જોવા ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1.96 લાખની મતા ચોરી છૂમંતર....

આણંદ : નવરાત્રિ પર્વ તેના અંતિમ ચરણમાં છે ત્યારે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે. ત્યારે રાત્રિના સુમારે તસ્કરોને પણ પોતાના કસબ અજમાવવાનો મોકો મળ્યો હોય તેમ આણંદ પાસેના જીટોડીયા ખાતે મકાનને તાળુ મારી ગરબાની મઝા માણવા ગયેલ પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી રૂા.૧.૯૬ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી લઈ ગયા હતા.

આણંદ પાસેના જીટોડીયા કોર્ટ રોડ પર આવેલ તિલક બંગલોઝમાં રહેતા અને નંદેસરી જીઆઈડીસીની ફેક્ટરીમાં કેમીસ્ટ તરીકે ફરજ બજાવતા મિતુલકુમાર રસીકભાઈ પંચાલ ગઈકાલે રાત્રિના સુમારે મકાનને તાળુ મારી પરિવાર સાથે અલારસા ગામે નવરાત્રીના ગરબા જોવા ગયા હતા. રવિવારના રોજ સવારના સુમારે ગરબાની મઝા માણી તેઓ પરત ઘરે આવ્યા ત્યારે ઘરનું તાળુ ખોલી મકાનમાં પ્રવેશતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો નજરે પડયો હતો. વધુમાં લોખંડના દરવાજાનું તાળું તથા લાકડાના દરવાજાની ઉપરની સ્ટોપર અને નકુચો પણ તુટેલો જોવા મળ્યો હતો. જેથી તેઓએ ઘરમાં તપાસ કરતા તિજોરીના ડ્રોઅર તથા કબાટના લોક તુટેલા હતા અને તિજોરી તથા કબાટમાં મુકેલા રોકડ ગાયબ હોવાનું માલૂમ પડયું હતું. તસ્કરો મકાનમાંથી સોનાનો હાર, બુટ્ટીઓ, વીંટી, ચુની, પેન્ડન્ટ તેમજ ચાંદીના સિક્કા અને રોકડા રૂા.૬૦ હજાર મળી કુલ્લે રૂા.૧,૯૬,૫૦૦નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જણાતા આ બનાવ અંગે મિતુલકુમારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર તસ્કરો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:50 pm IST)