Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સુરતના ઉંઘના વિસ્તારમાં સાડીના કારખાનાના સુપરવાઈઝરે ટ્રાન્સપોર્ટ સાથે મળી 17 લાખના ડુપ્લેક્ષ પેપર વેચી દેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ઉધના બીઆરસી કંપાઉન્ડ સ્થિત લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા સાડીના બોક્સ બનાવતા કારખાનાના સુપરવાઈઝરે ટ્રાન્સપોર્ટર સાથે મળી રૂ.17 લાખના ડુપ્લેક્ષ પેપર બોર્ડ વેચી મારતા ઉધના પોલીસે નોકર ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અલથાણ કેનાલ રોડ આકાશ ઇકો પોઈન્ટ એ/303 માં રહેતા 34 વર્ષીય મયંકકુમાર પ્રવિણભાઈ પટેલ ઉધના બીઆરસી કંપાઉન્ડ સ્થિત લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝ એફ લાઈન પ્લોટ નં.27 થી 31 માં ભાગીદારીમાં સાડીના બોક્સ બનાવવાનું કારખાનું ધરાવે છે.સમયાંતરે હિસાબ કરતા મયંકકુમાર અને ભાગીદારોને ગત 4 એપ્રિલથી 1 ઓક્ટોબર દરમિયાનનો હિસાબ બરાબર નહીં મળતા સ્ટોકની ગણતરી કરી તો રૂ.17 લાખની કિંમતનો બોક્સ બનાવવા માટેનો ડુપ્લેક્ષ પેપર બોર્ડનો 26,937 કિલોગ્રામ માલ ઓછો હતો.

આ અંગે તેમને ત્યાં નોકરી કરતા સુપરવાઈઝર દિનેશ સામજીભાઈ સોજીત્રા ( રહે.5, લક્ષ્મીનગર, સમિતિ સ્કૂલની બાજુમાં, ઉધના ગામ, સુરત ) ને બોલાવી પૂછતાં તેણે તેમને ત્યાં ડુપ્લેક્ષ પેપર બોર્ડની કંપનીમાંથી તે માલ લાવતા ટ્રાન્સપોર્ટર વાડીલાલ પંડીત પાટીલ ( રહે.6, સાંઇ પેલેસ, ગોકુલધામ, સણીયા કણદે, ડિંડોલી, સુરત ) સાથે મળી વાડીલાલના સંપર્કના વેપારીઓને વેચી માર્યાની કબૂલાત કરી હતી.આથી મયંકકુમારે ગતરોજ બંને વિરુદ્ધ રૂ.17 લાખની મત્તાના ડુપ્લેક્ષ પેપર બોર્ડની ચોરી કર્યાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:51 pm IST)