Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સુરતના લીંબાયત વિસ્તારમાં ઘરમાં ગરબા રમતી વેળાએ અચાનક પતિનું મૃત્યુ નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: લિંબાયતમાં શનિવારે રાત્રે ઘરમાં પતિ -પત્ની ગરબા રમી રહ્યા હતા તે સમયે અચાનક પતિની તબિયત બગાડતા મોત થયું હતુ.

પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં શાંતિનગર પાસે આવેલા આકાર રેસીડેન્સીમાં રહેતો ૩૪ વર્ષનો દિપક માધવભાઈ પાટીલ શનિવારે રાત્રે મિત્ર સાથે ગરબા રમવા જવાનો હતો. પરંતુ મિત્રના ઘરે મહેમાન આવ્યા હોવાથી તેણે ફોન કરી ગરબા રમવા નહીં આવવાનો હોવાની જાણ કરી હતી. શનિવારે રાત્રે નોકરીએથી ઘરે આવીને દિપકે ભોજન કર્યું હતુ. બાદમાં ઘરના હોલમાં વચ્ચે ખુરશી મુકી પત્ની સાથે ગરબા રમી રહ્યો હતો. દરમિયાન તેની પત્ની થાકી જતાં સાઈડમાં બેસી ગઈ હતી પણ દિપક ઉત્સાહથી ગરબા રમી આનંદ માણી રહ્યો હતો. ત્યારે અચાનક જ દિપકની છાતીમાં દુઃખાવો થતા બેસી ગયો હતો અને તરત જ બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યું કે, સ્મીમેર હોસ્પિટલ ખાતે દિપકનું પોસ્ટમોર્ટમ થયુ હતુ. જેમાં તેના વિવિધ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. તે મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:51 pm IST)