Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

આણંદ જિલ્લાના લીંગડા ગામના ખેડૂતે અંબાજી માના મંદિરે પોતાના શરીરે લોખંડની ફ્રેમમાં 500 દિવડા ગોઠવી આરતી ઉતારીઃ 20 વર્ષથી ચાચર ચોકમાં દીવાઓ ધારણ કરે છે

ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલે પરિવાર સાથે અંબાજી મંદિરે માતાજીની આરતી ઉતારી

અંબાજીઃ ગરબાના પ્રારંભે અંબાજી માતાજીના મંદિરે આણંદના લીંગડા ગામના ખેડૂત પુત્રે પોતાના શરીરે લોખંડની ફ્રેમમાં 500 દિવડાઓ ગોઠવી આરતી ઉતારી હતી. ખેતીવાડીમાં સારી ઉપજ થતા આ યુવાન છેલ્લા 20 વર્ષથી ચાચર ચોકમાં આ દિવડાઓ કરે છે.

શક્તિ ઉપાસકો માટે આજે અષ્ટમીનું પાવન પર્વ મહત્વનું ગણાય છે. આજે રાજ્યભરના મંદિરોમાં હવન અને પૂજા અર્ચના થશે. આસો નવરાત્રિનો આઠમો દિવસ, ગુજરાત સહિત દેશભરમાં નોરતામાં ખેલૈયા ગરબાની રમઝટ બોલાવશે. નવરાત્રિ ઉત્સવ પૂર્ણ થવાના આડે હવે ગણતરી દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગઈકાલે શક્તિપીઠ અંબાજી મંદિરમાં સાતમા નોરતે અંબાજી મંદિરના ચાચરચોકમાં હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી. આખા ચાચરચોકમાં જાણે કીડીયાગરુ ઉભરાયું હોય તેમ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સહીત યાત્રિકો સાતમા નોરતે જોવા મળ્યા હતા.

ગરબાના પ્રારંભે આણંદ જિલ્લાના લીંગડા ગામના એક ખેડૂત પુત્ર માતાજીને 500 દીવડાની આરતી કરી હતી. તેઓ સતત 20 વર્ષથી ચાચરચોકમાં આ રીતે દીવા ધારણ કરીને આરતી કરે છે. પોતાને ત્યાં સારી ખેતીવાડી અને સારો વ્યવસાય થતો હોવાની ટેક પુરી થતા તેઓ આ રીતે માતાજીની ભક્તિ કરે છે. ખાસ વાત તો એ છે કે, સતત 20 માં વર્ષે આ રીતે આરતી કરે છે.

નવરાત્રીના સાતમા નોરતે માતાજીના ચાચરચોકમાં પોતાના શરીરે લોખંડ ફ્રેમમાં 500 ઉપરાંત દીવડા ગોઠવી માતાજીની આરતી ઉતારી હતી. એટલું જ નહિ, સતત પોતાના વ્યવસાયને લઈ માતાજી ટેક પુરી કરતા હોવાથી આ વખતે પોતાની સાથે અન્ય ખેડૂતોને પણ અંબાજી લઈ આવ્યા હતા.

જ્યારે સાતમા નોરતે રાજ્યના ઉર્જા મંત્રી મુકેશ પટેલ પણ પોતાના પરીવાર સાથે અંબાજી મંદિરે પહોંચી મંદિરના ચાચરચોકમાં માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. એટલુંજ નહીં બે દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીમાં કરોડો રૂપિયાના વિકાસના કામોનું ભુમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું.

સાતમા નોરતે મંદિરના ચાચરચોકમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડવા છતાં ખેલૈયાઓ ક્યાંક ગ્રુપમાં તો ક્યાંક લાઈનમાં ઉભા રહીને ગરબાની મોજ માણી હતી. નવરાત્રી પૂર્ણ થવાના બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે અંતિમ તબક્કાની નવરાત્રીને ભરપૂર માણી લેવાના પ્રયાસ કરતા જોવા મળ્યા.

(5:58 pm IST)