Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કોંગ્રેસથી છેડો ફાડનારા ચેતન રાવલ અને પૂર્વ સીએમ છબીલ મહેતાના પુત્રી આપમાં જોડાયા

ચેતન રાવલે કહ્યું, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગયલક્ષી પ્રશ્નોને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આ બે મોટા મોટા નેતાઓ જોડાયા છે. કોંગ્રેસથી છેડો ફાડનારા ચેતન રાવલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છબીલ મહેતાના પુત્રી પણ આપમાં જોડાયા છે.

 

આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ ચેતન રાવલે કહ્યું, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગયલક્ષી પ્રશ્નોને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. પ્રજા વચ્ચે જઈને, પ્રજાની વાતને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. અરવિંદ કેજરીવાલના ટ્રેકરેકોર્ડને જોઈએ હું આજે આપમાં જોડાયો છું. ગુજરાતની પ્રજા અરવિંદ કેજરીવાલને ખોબે ખોબે આશીર્વાદ આપશે. હું નથી માનતો કે આપ ભાજપની B ટીમ હોય, જો ભાજપની B ટીમ હોય તો આપના નેતાઓ ઉપર રેડ ન પડતી હોત. આપ પોતાની રીતે મજબૂત છે, ચૂંટાયેલા પાંખ કોંગ્રેસમાં હાવી છે.

  કોંગ્રેસમાથી રાજીનામુ આપ્યા બાદ ચેતન રાવલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મને કોઈ વ્યક્તિથી અંગત વાંધો નથી, હાલની સંગઠનની અવગણના થઈ રહી છે. હું કોંગ્રેસમાં જોડાયો ત્યારથી અત્યાર સુધી પક્ષ જે દિશામાં જઈ રહ્યો છે તે મારી વિચારધારાની વિરુદ્ધ છે. જગદીશ ઠાકોર,ભરતસિંહ સોલંકી,અમિત ચાવડા તમામ મારા માટે સન્માનીય છે. સંગઠનનું મહત્વ ઘટે અને ચૂંટાયેલ પાંખનું મહત્વ વધે ત્યારે પક્ષની સ્થિતિ બગડતી હોય છે. હું ભાજપમાં જોડાવવાનો નથી, આગામી દિવસોમાં મારા કાર્યકરો સાથે બેઠક કરીશ,નિર્ણય કરીશ પણ અન્ય પક્ષમાં જોડાવવાનો મેં નિર્ણય કર્યો નથી.

 

(11:27 pm IST)