Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ અને ટીમ્બરના વેપારીઓને હેલ્થ લાયસન્સની જરૂર નથી તેવું જાહેર કરો

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ મ્યુનિ.કમિશનરને પત્ર લખ્યો

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)એ મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં કોવિડ 19 અંગેની સ્થિતિને ધ્યાનમાં રાખતાં તેમ જ આવનારા દિવાળીના તહેવારોને જોતાં નાના વેપારીઓ તેમ જ સામાન્ય જનતાની જરૂરિયાતો સચવાય તે ઉદ્દેશથી કેટલાંક સૂચનો કર્યા છે. હાલની કપરી પરિસ્થિતિને જોતાં વેપાર ઉદ્યોગ તેમ જ જનતાના હિતમાં સકારાત્મક નિર્ણય ત્વરિત ધોરણે યોગ્ય નિર્ણય કરવા વિનંતી કરી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમારને પત્રમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર વર્ષ 2014માં અમલમાં આવેલી સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ અમદાવાદ શહેરમાં થયો ના હોવાથી નાના ફેરિયા અને લારીઓ ચલાવતી વ્યક્તિઓને ખૂબ જ મુશ્કેલી તેમ જ કનડગતનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે આવા ફેરિયાઓ/લારીઓ ચલાવતી વ્યક્તિઓ સમાજના ગરીબ વર્ગમાંથી આવતાં હોવાથી આ તેમની રોજગારીનું એક માત્ર સાધન છે. અને આવા વ્યક્તિઓની સંખ્યા શહેરમાં મોટી છે. તેથી સ્ટ્રીટ વેન્ડર એક્ટનો તાત્કાલિક અમલ થાય તો અત્યારના કોવિડ 19ની કપરી પરિસ્થિતિમાં ફેરિયા અને લારીઓ ચલાવનારા વ્યક્તિઓને તેમનું ગુજરાન ચલાવવામાં મદદ મળી રહેશે. અને રોજગારીની સમસ્યા ઊભી નહીં થાય.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, શહેરના લાટી બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં ટીમ્બરનું લે-વેચ કરનાર વેપારીઓ આવેલી છે. જે કોઇપણ પ્રકારનું ઉત્પાદન કરતાં નથી. આ લાટીબજાર વિસ્તારમાં ખૂબ જ ઓછી સંખ્યામાં એસએડબલ્યુ/મિલ અને બાકી બધાં વેપારીઓ માત્ર ટીમ્બરની લે વેચ જ કરે છે. જેથી તેમને બીપીએમસી કાયદાના હેલ્થ લાયસન્સ લેવાની જરૂરિયાત રહેતી નથી. આમ છતાં એસએડબલ્યુ/ મિલ સિવાયના બધા વેપારીઓને પણ હેલ્થ લાયસન્સ લેવાની ફરજ પાડવામાં આવે છે પરંતુ આ વેપારીઓ ખૂબ જ લાંબા સમયથી વેપાર કરતાં હોવાથી તેમની પાસે બી.યુ. પરમીશન નથી. જેના કારણે તેઓ હેલ્થ લાયસન્સ લેવા ઇચ્છતાં હોવા છતાં શક્ય બનતું નથી. જેથી આ ટીમ્બરના વેપારીઓને કારણ વગર બહુ મોટો દંડ ભોગવવો પડે છે. જેથી આ બાબતે ત્વરિત નિર્ણય લઇને ટીમ્બરના લે વેચ કરતા વેપારીઓને હેલ્થ લાયસન્સ લેવાની જરૂર નથી તેવું સ્પષ્ટીકરણ જાહેર કરવા વિનંતી છે.

હાલમાં શહેરમાં બની રહેલી મેટ્રો રેલ અને ફલાય ઓવરનાન નીચેના ભાગમાં ખૂબ મોટી જગ્યા વપરાશ વગર ખાલી પડેલી છે. આ જગ્યાનો ઉપયોગ જો ઠેકા પધ્ધતિથી વાહનોને પાર્કીંગ આપવા માટે કરવામાં આવે તો તેનાથી વણવપરાયેલી જગ્યાનો સદ્પયોગ થશે. તેની સાથે સરકારને આવક થશે. અને શહેરમાં વધતી જતી પાર્કિંગની સમસ્યાનો યોગ્ય ઉકેલ આવશે. આ બાબતે સકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરી છે.

(10:04 pm IST)