Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજ્યની આઠ બેઠકોની પેટાચૂંટણીનું મતદાન :81 ઉમેદવારોના ભાવિ થશે સીલ :10મીએ મતગણતરી

આશરે 419 માઇક્રો ઓબ્ઝર્વરોની નિયુક્તિ: 900 જેટલાં મતદાન મથકો ખાતેથી લાઇવ વેબકાસ્ટીંગ : તદાન મથકો પર આશરે 34000 થર્મલ ગન, 41 હજાર એન 95 માસ્ક તથા 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર રબ્બર હેન્ડ ગ્લોસ, મતદારો માટે આશરે 21 લાખ પોલીથીન હેન્ડ ગ્લોવ્સ અપાયા

અમદાવાદ: ગુજરાતની આઠ બેઠકો અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠકની પેટાચૂંટણીની તા. 3જી નવેમ્બરના રોજ મતદાન થશે. સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 1807 મતદાન મથક સ્થળોમાં સમાવિષ્ટ 3024 મતદાન મથકો પર મતદાન યોજાશે.

પ્રવર્તમાન કોવિડ 19ની સંક્રમણની મહામારી અન્વયે ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર મતદાન મથક દીઠ મહત્તમ 1500 મતદારોના બદલે આ પેટાચૂંટણીમાં મહત્તમ 1 હજાર મતદારોનું મતદાન રાખવામાં આવ્યું છે. આ મતદાનમાં 81 હરીફ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમા સીલ થઇ જશે. 10મી નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

ભારતના ચૂંટણી પંચના ધોરણો મુજબ પુરતા પ્રમાણમાં ઇવીએમ,વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. મતદાન મથકો ખાતે આશરે 419 માઇક્રો ઓબ્ઝર્વરોની નિયુક્તિ કરવામાં આવી છે. મતદાનના દિવસે આશરે 900 જેટલાં મતદાન મથકો ખાતેથી લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. ચૂંટણી પર નિરીક્ષણ કરવા માટે 8 જનરલ ઓબ્ઝર્વર તેમ જ 8 ખર્ચ માટેના ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઇ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની કામગીરી માટે 27 ફલાઇંગ સ્કવોર્ડ, 27 સ્ટેટીક સર્વેલન્સ ટીમોની રચના કરાઇ છે. ઉપરાંત 18 વીડીઓ સર્વેલન્સ ટીમ, 8 વીડીયો વ્યૂઇંગ ટીમ અને 8 હિસાબી ટીમ તથા 8 મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂંક કરાઇ છે.

કોવિડ 19ની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે મતદાન મથકો પર આશરે 34000 થર્મલ ગન, 41 હજાર એન 95 માસ્ક તથા 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર રબ્બર હેન્ડ ગ્લોસ, અને મતદારો માટે આશરે 21 લાખ પોલીથીન હેન્ડ ગ્લોવ્સ ( મતદાર દીઠ એક નંગ ) આરોગ્ય વિભાગ દ્રારાચૂંટણી અધિકારીઓને આપવામાં આવ્યા છે.

કોવીડ પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે અને પોલીસ પાર્ટી માટે 8 હજાર પી.પી.ઇ. કીટસની વ્યવસ્થા કરાઇ છે. મતદાનના દિવસના એક દિવસ પહેલાં આજે તમામ મતદાન મથકો સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત મતદાન એજન્ટો, અધિકારીઓ, સુરક્ષા કર્મીઓ અને મતદારોના ઉપયોગ માટે મતદાન કેન્દ્રો પર પુરતા પ્રમાણમાં સેનિટાઇઝર, સાબુ અને પાણી ઉપલબ્ધ રાખવામાં આવશે. મતદાનના દિવસે મતદાન મથકો પર કોવિડ હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવશે. તાલીમ દરમિયાન, ડીસ્પેચ સમયે, મતદાનના દિવસે, રીસીવીંગ સમયે અને મતગણતરીના દિવસે તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મોબાઇલ તબીબી ટીમો તૈયાર રાખવામાં આવશે.

(10:57 am IST)