Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કરજણમાં ભાજપના કાર્યકરો પૈસા વહેચતા હોવાનો વીડિયો વાયરલઃ ખળભળાટ

પોર- ઈટાલા વિસ્તારનો વીડિયો પ્રસાર માધ્યમમાં મૂકયોઃ પોલીસે ૩ લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યોઃ પોલીસે ૫૭ હજાર રોકડ અને ગાડી પણ કબ્જે કરીઃ ચૂંટણીપંચ હરકતમાં આવ્યું, રિપોર્ટ માંગ્યો, મોરબી ભાજપની પત્રિકા વહેચવા મામલે પણ તપાસના આદેશો

અમદાવાદઃ રાજયમાં વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીનું આજે મતદાન શરૂ થયું હતું. ત્યારે તાજેતરમાં કરજણ બેઠક પર ચૂંટણી પંચના નિયમોના ધજાગરાં ઉડ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કરજણમાં ભાજપના કાર્યકરો પર પૈસા આપ્યાનો આરોપ લાગ્યો છે. ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કરજણના પોર-ઇટાલા વિસ્તારનો વીડિયો પ્રસાર માધ્યમમાં મૂકાયો છે. જો કે આ મામલે કરજણ પોલીસે ૩ લોકો વિરૂદ્ઘ ગુનો નોંધ્યો છે. પોલીસે ૫૭૦૦૦ રૂપિયા અને ગાડી પણ કબ્જે કરી છે.

દરમિયાન પેટાચૂંટણી મામલે મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, મોરબીમાં ભાજપની પત્રિકા વહેચવા મામલે પોલીસને તપાસની સૂચના અપાઇ છે. મીડિયામાં આવેલા વીડિયો અંગે તપાસના આદેશ અપાયા છે. મીડિયાના માધ્યમથી ૨ વીડિયો અંગે માહિતી મળી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, 'લીંબડીના ગેડીમાં બોગસ મતદાન નથી થયું. ગેડીમાં બોગસ મતદાન અંગે રિપોર્ટ માંગ્યા છે. પ્રથમ વાર ગેડીમાં બોગસ રીતે મતદાન થયું હોવાનું સામે નથી આવ્યું પરંતુ આ અંગેનો રિપોર્ટ આવવાની રાહ જોઇ રહ્યાં છીએ. કરજણની ઘટના અંગે પણ યોગ્ય પગલાં લેવાશે. આ અંગે કલેકટર પાસે રિપોર્ટ માંગ્યો છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, કરજણની પેટાચૂંટણીને લઇને રૂપિયા આપ્યા હોવાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે કરજણમાં ભાજપના કાર્યકરો પર પૈસા આપ્યાનો આરોપ લાગ્યો છે. ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જે કરજણના પોર-ઇટાલા વિસ્તારનો હોવાનું અનુમાન છે. જયારે બીજી બાજુ કરજણની પેટાચૂંટણીમાં રૂપિયા વેચતા કોંગ્રેસના ૨ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલ નામના ૨ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રૂપા ગામ નજીકથી ૨ કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે મિત પટેલ હજી ફરાર છે. ૫૭ હજાર રોકડ રૂપિયા સાથે પોલીસે આ કાર્યકરોની ધરપકડ કરી છે. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.

(3:41 pm IST)