Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બનાસકાંઠાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ધાનપુરાનું અવસાન

ઠાકોર સમાજના લોકોમાં ભારે શોક

બનાસકાંઠા, તા. ૩ : ગુજરાતમાં આજે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે એવામાં કોરોના મહામારીમાં યોજાઇ રહેલી પેટાચૂંટણી વચ્ચે ગુજરાત કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાનું કોરોનાને કારણે મોત નિપજયું છે.

નોંધનીય છે કે, તેઓ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં એક મહીનાથી દાખલ હતાં. ત્યારે ટૂંકી માંદગી બાદ કોરોનાની સારવાર દરમ્યાન તેમનું હોસ્પિટલમાં જ નિધન થયું છે. ધારસિંહ ખાનપુરા કાંકરેજ તાલુકાના વડા ગામના વતની હતા. અનેક વખત તેઓ કાંકરેજના ધારાસભ્ય પણ રહી ચૂકયાં છે. ખાનપુરાના નિધનથી ઠાકોર સમાજના લોકોને મોટી ખોટ પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે સોમવારના રોજ સાંજના રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર રાજયમાં કોરોનાના નવા ૮૭૫ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. જેથી કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૭૪,૬૭૯ પહોંચી ગઇ છે. જયારે રાજયમાં વધુ ૪ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૭૨૮હ્ય્ પહોંચ્યો છે. જયારે ૧૦૦૪ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે ગુજરાત માટે ખુશખબર એ છે કે રાજયમાં સાજા થવાનો દર ૯૦.૬૦ ટકા છે. ત્યાં જ રાજયમાં આજે ૫૨,૮૮૦ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં રાજયભરમાં ૬૧,૫૭,૮૧૧ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

(2:09 pm IST)