Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ખેડૂતોને એક હાથે દઈને બે હાથે લેવાની સરકારની વૃતિ

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ એક લોલીપોપ યોજના બની રહી છે : કોંગ્રેસ

રાજકોટ,તા. ૩: એક તરફથી ખેડૂતોના હિતની હોવાનો ભાજપ સરકાર દાવો કરી રહી છે, તો બીજી તરફ, સરકાર જ ખેડૂતોને ખંખેરી રહી છે. ખેડૂત ખરાઇ પ્રમાણપત્રના નામે સરકાર ગુજરાતના ખેડૂતો પાસેથી રૂ.૧૧૦ કરોડ જેટલી માતબર ખંખેરી લેશે.આ મુદ્દે કોંગ્રેસે રાજય સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ઉદ્યોગપતિઓને લાખો-કરોડોની રાહત આપવામાં આવી રહી છે ત્યારે જગતના તાતને લૂંટવામાં આવી રહ્યો છે.સરકારની ખેડૂતવિરોધી નીતિ ખુલ્લી પડી છે.

રાજયના મહેસૂલી દફતરને કમ્પ્યુટરાઇઝડ કરવા મહેસૂલ વિભાગે કવાયત હાથ ધરી છે. હસ્તલિખીત દફતરને ઓનલાઇન કરાયુ છે. જમીનના વિવિધ પ્રકારના વ્યવહારોમાં અને વિવિધ પરવાનગી માટે ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની જરૂર પડે છે ત્યારે મહેસૂલ વિભાગે ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન કાર્યપધ્ધતિ કરવા નક્કી કર્યુ છે.

જોકે, આ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરનાર ખેડૂતે રૂ.૨ હજાર ભરવા પડશે . જે નોન રિફંડેબલ હશે. આ મુદ્દે કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે, સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂત આજે મજબૂર બન્યો છે અને સરકારના મળતિયા મજબૂત બન્યાં છે.

ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર રાજયના ૫૫ લાખ ખેડૂતોને અસરકર્તા બની રહેશે ત્યારે સરકારે પ્રત્યેક ખેડૂત પાસેથી ૨ હજાર ફી લેવા નક્કી કર્યુ છે તેનો અર્થ એ થયો કે, સરકાર ખેડૂતો પાસેથી રૂ.૧૧૦ કરોડ ખંખેરી લેશે.

આ કેટલાં અંશે વ્યાજબી છે. ઉદ્યોગપતિઓ-ઉદ્યોગગૃહોને મફત રજીસ્ટ્રેશન,કરવેરામાં છુટછાટ, જમીનોમાં સબસિડી , વિજબીલમાં રાહતો આપવામાં આવે છે ત્યારે ભાજપ સરકાર માત્રને માત્ર ખેડૂતોને કેમ લૂંટી રહી છે તે સમજાતુ નથી.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ એક લોલીપોપ યોજના બની રહી છે તેવો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું કે, કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ખેતી તબાહ થઇ છે ત્યારે હજુ સુધી ૧૮ તાલુકાના ખેડૂતોને સરકારની સહાયની એક કોડી ય મળી નથી જે સરકારની ખેડૂતવિરોધી નીતિને છતી કરે છે.

(3:06 pm IST)