Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 બેઠકો ઉપર મતદાનઃ કોરોનાના કારણે મતદાન મથક દીઠ મહત્તમ 1500 મતદારોના બદલે 1 હજાર મતદારો માટે વ્‍યવસ્‍થા

અમદાવાદ: કોરોના મહામારીના સંકટ વચ્ચે ગુજરાતની વિધાનસભાની 8 બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠકની પેટાચૂંટણી માટેનું આજે મતદાન શરૂ થઈ ગયુું છે. જેમાં મતદાતાઓ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. આ પેટાચૂંટણીમાં કુલ 81 ઉમેદવારોનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થશે. કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલાં રાજીનામાં બાદ ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકોને લઇને આજે આ પેટાચૂંટણી યોજાઇ રહી છે.

જાણો બપોરના 3:00 વાગ્યા સુધીમાં કઇ બેઠક પર કેટલાં ટકા મતદાન?

બપોરના 3 વાગ્યા સુધીમાં સરેરાશ 46.75 ટકા મતદાન

સૌથી વધુ મતદાન ડાંગમાં 66.24 ટકા મતદાન

સૌથી ઓછું મતદાન ધારીમાં 23.78 ટકા મતદાન

બેઠક

મતદાન

મોરબી

40.82%

અબડાસા

38.41%

ડાંગ

66.24%

ધારી

23.78 %

ગઢડા

37.72 %

કપરાડા

51.19 %

લીંબડી

43.95 %

કરજણ

40.64 %

મતદાનમાં 81 હરીફ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં આજે સીલ થઇ જશે

1807 મતદાન મથક સ્થળોમાં સમાવિષ્ટ 3024 મતદાન મથકો પર મતદાન યોજાશે. પ્રવર્તમાન કોવિડ 19ની સંક્રમણની મહામારી અન્વયે ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર મતદાન મથક દીઠ મહત્તમ 1500 મતદારોના બદલે આ પેટાચૂંટણીમાં મહત્તમ 1 હજાર મતદારોનું મતદાન રાખવામાં આવ્યું છે. આ મતદાનમાં 81 હરીફ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થઇ જશે. જેની 10મી નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ જશે.

ભારતના ચૂંટણી પંચના ધોરણો મુજબ પુરતા પ્રમાણમાં EVM, VVPAT મશીનની ફાળવણી કરવામાં આવી છે. મતદાન મથકો ખાતે આશરે 419 માઇક્રો ઓબ્ઝર્વરોની નિયુક્તિ કરવામાં આવી છે. મતદાનના દિવસે આશરે 900 જેટલાં મતદાન મથકો ખાતેથી લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

ચૂંટણી પર નિરીક્ષણ કરવા માટે 8 જનરલ ઓબ્ઝર્વર તેમ જ 8 ખર્ચ માટેના ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઇ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની કામગીરી માટે 27 ફલાઇંગ સ્કવોર્ડ, 27 સ્ટેટીક સર્વેલન્સ ટીમોની રચના કરાઇ છે. આ ઉપરાંત 18 વીડીઓ સર્વેલન્સ ટીમ, 8 વીડીયો વ્યૂઇંગ ટીમ અને 8 હિસાબી ટીમ તથા 8 મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂંક કરાઇ છે.

કોવિડ ગાઈડલાઈન્સનું પાલન થાય તે માટે મતદાન મથકો પર આશરે 34000 થર્મલ ગન, 41 હજાર એન 95 માસ્ક તથા 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર રબ્બર હેન્ડ ગ્લોસ, અને મતદારો માટે આશરે 21 લાખ પોલીથીન હેન્ડ ગ્લોવ્સ (મતદાર દીઠ એક નંગ ) આરોગ્ય વિભાગ દ્વારાચૂંટણી અધિકારીઓને આપવામાં આવ્યા છે. કોવિડ પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે અને પોલીસ પાર્ટી માટે 8 હજાર PPE કિટસની વ્યવસ્થા કરાઇ છે.

મતદાનના દિવસના એક દિવસ પહેલાં આજે તમામ મતદાન મથકો સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મતદાન એજન્ટો, અધિકારીઓ, સુરક્ષા કર્મીઓ અને મતદારોના ઉપયોગ માટે મતદાન કેન્દ્રો પર પુરતા પ્રમાણમાં સેનિટાઇઝર, સાબુ અને પાણી ઉપલબ્ધ રાખવામાં આવશે. મતદાનના દિવસે મતદાન મથકો પર કોવિડ હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવશે. તાલીમ દરમિયાન, ડિસ્પેચ સમયે, મતદાનના દિવસે, રીસીવીંગ સમયે અને મતગણતરીના દિવસે તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મોબાઇલ તબીબી ટીમો તૈયાર રાખવામાં આવશે.

જાણો કઈ બેઠક પર ક્યા ઉમેદવારો મેદાનમાં?

ભાજપે અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીથી કિરીટ સિંહ રાણા, મોરબીથી બ્રિજેશ મેરજા, ધારીથી જે.વી કાકડિયા, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણથી અક્ષય પટેલ, ડાંગથી વિજય પટેલ, કપરાડાથી જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યાં છે. આ ઉમેદવારોમાંથી 5 કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પણ છે. જેઓ રાજ્યસભા ચૂંટણી પહેલા રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા હતાં.

પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી શાંતિલાલ (અબડાસા), ચેતન ખાચર (લીંબડી), જયંતિલાલ પટેલ (મોરબી), સુરેશ કોટડિયા (ધારી), મોહન સોલંકી (ગઢડા) કિરીટસિંહ જાડેજા (કરજણ), સૂર્યકાંત ગાવિત (ડાંગ) અને બાબુભાઈ પટેલ (કપરાડા) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

બેઠક

ભાજપના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

અબડાસા

પ્રદ્યુમનસિંહ જાડેજા

ડૉ. શાંતિલાલ સેંઘાણી

મોરબી

બ્રિજેશ મેરજા

જયંતીલાલ પટેલ

ધારી

જે.વી. કાકડિયા

સુરેશ કોટડિયા

કરજણ

અક્ષય પટેલ

કિરીટસિંહ જાડેજા

ગઢડા

આત્મારામ પરમાર

મોહનલાલ સોલંકી

કપરાડા

જીતુ ચૌધરી

બાબુભાઈ વરઠા

ડાંગ

વિજય પટેલ

સૂર્યકાંત ગાવિત

લીંબડી

કિરીટસિંહ રાણા

ચેતન ખાચર

(4:53 pm IST)