Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમદાવાદમાં અોફિસ પચાવી પાડવાના મામલે પોપ્યુલર ગ્રુપના રમણ-દશરથની વસ્ત્રાપુર પોલીસે સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટ સાથે કરી ધરપકડ

Photo: Popular-group1

અમદાવાદ: પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ દશરથ વિરુદ્ધ ગુંજન પેઈન્ટસના માલિકે ન્યુયોર્ક ટાવર સ્થિત ઓફિસ પચાવી પાડવાના મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં બન્ને ભાઈઓની વસ્ત્રાપુર પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. સાબરમતી જેલમાંથી બન્ને ભાઈઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. રમણ દશરથ સહિતના લોકો હાલમાં પુત્રવધુ ફિઝાની હત્યાની કોશિષના ગુનામાં સાબરમતી જેલમાં છે. આ દરમિયાનમાં બંને ભાઈઓ વિરુદ્ધ વધુ એક ફરિયાદ ઓફીસ પચાવી પાડવાની નોંધાઈ હતી.

રમણ અને દશરથ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ

બનાવની વિગત મુજબ સોલા સાયન્સ સીટી રોડ પર ઐશ્વર્યા બંગલોમાં રહેતાં અને સાંતેજ ભોયણ મુકામે ગુંજન પેઈન્ટસ નામે કંપની ધરાવતા ગોવિંદભાઈ ડાહ્યાભાઈ બારોટ (ઉં,70)એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 7 દિવસ અગાઉ રમણ ભોળીદાસ પટેલ અને તેના ભાઈ દશરથ વિરુદ્ધ ઠગાઈ અને ધાકધમકીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ ગોવિંદભાઈ બારોટની થલતેજના ન્યુયોર્ક ટાવરમાં 8માં માળે યુનિટ 81 નંબરની 2950 ચોરસ ફૂટની ઓફિસ આવેલી છે. આ ઓફિસે પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના ઠગ ભાઈઓ રમણ દશરથએ તેઓની ઓફિસનું રીનોવેશન કામ ચાલતું હોવાનું જણાવી ભાડે રાખી હતી.

નવી ઓફિસ તૈયાર થઈ જશે એટલે તત્કાળ અસરથી તમારી ઓફિસ ખાલી કરી આપીશું. દર વર્ષે ભાડામાં 15 ટકા વધારો કરી આપીશું અને ટેક્સ બિલ પણ ભરીશું તેવી વાતો કરી વિશ્વાસ કેળવી 11 માસ 29 દિવસના ભાડા કરાર પેટે ગોવિંદભાઈની ઓફિસ ગત તા.24-6-2010ના રોજ રાખી હતી.

વકીલ મારફત મોકલેલી નોટિસને અવગણી

ભાડા કરારની મુદત 25-8-2011માં પૂરી થતાં એડવોકેટ રાજેશ દેસાઈ મારફતે ફરિયાદી ગોવિંદભાઈએ બન્ને ભાઈઓને ઓફિસ ખાલી કરવા નોટીસ મોકલી હતી. જોકે બન્ને આરોપીઓએ ઓફિસ ખાલી કરી નહી અને બે થી ત્રણ વર્ષ કાઢી નાંખ્યા હતા.

તે પછી આરોપીઓએ 2015માં ભાડા કરાર કરી આપવા આજીજી કરતા તેમની વાતોમાં આવી જઈ ગોવિંદભાઈએ 19-6-2015ના રોજ ભાડા કરાર કરી આપ્યો જે 1-7-2014થી ગણવા કરારમાં ઉલ્લેખ કર્યો હતો. તે કરાર પૂરો થયા બાદ ગોવિંદભાઈ વાત કરવા તેમની ઓફિસે રમણ-દશરથ પાસે ગયા હતા.

ઓફિસ ખાલી કરવા કહ્યું તો ધાકધમકી આપી

બન્નેએ અપશબ્દો બોલી તકરાર કરી ગોવિંદભાઈને ધાકધમકી આપી જણાવ્યું કે, આ ઓફિસ અમારી છે. ફરી અહીંયા પગ મૂક્યો તો જાનથી મારી નાંખીશું. તે પછી આરોપીઓને જાણ થઈ કે ગોવિંદભાઈએ ઇન્ડસ બેન્કમાંથી મિલકત પર લોન લીધી હતી. જેથી બેંકને આરોપીઓએ પત્ર લખી આ મિલકત લાંબા સમયથી પોતે ભાડે રાખ્યાની વિગતો દર્શાવી મિલકત પચાવી પાડવા કાવતરૂ ઘડ્યું હતું.

વસ્ત્રાપુર પોલીસે બન્ને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં સાબરમતી જેલમાં હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ સાબરમતી જેલમાં રહેલા રમણ-દશરથને ટ્રાન્સફર વોરંટ આધારે જેલમાંથી અટક કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, બન્ને આરોપીના રેપીડ ટેસ્ટ બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે.

(5:36 pm IST)