Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડોઃ ઓક્સિજન વપરાશ પ્રતિદિન ૧૦૦ ટન અોછો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના મોરચે સારા સમાચાર છે. કોરોનાની સારવારમાં વપરાતા મેડિકલ ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ દર્શાવે છે કે ગુજરાતમાં કોરોના હાંફી રહ્યો છે.

ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, રાજય સરકારની અસરકારક પરિણામ લક્ષી કામગરીના પરિણામે રાજ્યમાં કોવિડ-19ના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં પણ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે.

કોશિયાએ ઉમેર્યુ કે,સમગ્ર વિશ્વમાં કોવિડ-19માર્ચ-2020થી રોગચાળા સ્વરૂપે ફેલાવો થતાં માર્ચ-2020થી સપ્ટેમ્બર 2020 સુધી કોવિડ-19ના કેસમાં સતત વધારો દેશમાં અને રાજ્યમાં જોવા મળ્યો હતો. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિના માર્ગદર્શન હેઠળ સમયબધ્ધ આયોજનના પરિણામે સંક્રમણ અટકાવવામા સફળતા મળી છે.

તેમણે કહ્યુ કે, કોવિડ-19ની સારવારમાં વપરાતો મેડિકલ ઓક્સિજન આઇ.પી.અને રેમડેસીવીર ઇન્જેકશન તથા ફેવિપિરાવીર ટેબ્લેટ 200 મિલીગ્રામ અને 400 મિલીગ્રામની માંગમાં અને વપરાશમાં સતત વધારો જોવા મળેલો હતો.

તેમણે ઉમેર્યુ કે,ઓક્ટોબર 2020થી કોવિડ-19ના નવા તથા એકટિવ કેસની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો થતાં કોવિડ-19ની સારવાર માટે લાઇફ સેવિંગ એવા, મેડિકલ ઓક્સિજનની માંગ અને વપરાશ જે સપ્ટેમ્બર-2020માં 240 મેટ્રિક ટન પર ડે હતી તે ઓક્ટોબર અંતમાં ઘટીને 135 મેટ્રિક ટન પર ડે એટલે કે પ્રતિ દિન વપરાશમાં 100 મેટ્રિક ટનનો ઘટાડો જોવા મળેલ છે.

તે જ રીતે મોડરેટ અને ગંભીર કોવિડ-19 દર્દીની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેકશનનો વપરાશ જે સપ્ટેમ્બર માસમાં 1 લાખ 80 હજાર હતો તેનો ઓક્ટોબરમાં વપરાશ ફકત 83 હજાર ઇન્જેકશનનો (ઓપન માર્કેટમાં) તથા રાજય સરકારની હોસ્પિટલોમાં 40 હજારનો વપરાશ હતો તે ઘટીને 30 હજાર ઇન્જેકશન થયો છે.

કોશિયાએ કહ્યુ કે,કોવિડ-19ના માઇલ્ડ કેસમાં સારવાર માટે વપરાતી ફેવીપિરાવિર ટેબ્લેટ 200 મિલીગ્રામ જે સપ્ટેમ્બરમાં 26 લાખ ટેબ્લેટનો વપરાશ હતો તે ઓક્ટોબરમાં ઘટીને ચાર લાખ જેટલો નીચે આવ્યો છે. તે જ રીતે ફેવિપિરાવિર 400 મિલીગ્રામ ટેબ્લેટ જે સપ્ટેમ્બરમાં 6 લાખ જેટલી ટેબ્લેટનો વપરાશ હતો તે ઘટીને 2.8 લાખ સુધી નીચે આવ્યો છે.

આમ, રાજયમાં કોરોનાના કેસ ઘટી રહયા છે. તેની સાથે તેની સારવારમાં ઉપયોગી એવા મેડિકલ ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેકશન અને ફેવિપિરાવિર ટેબલેટની માંગ અને વપરાશમાં મોટો ઘટાડો જોવા મળેલ છે. જે રાજય માટે રાહતના સમાચાર છે.

તેમણે ઉમેર્યુ કે,હજુ કોરોનાનો વાયરસ ગયો નથી ત્યારે નાગરિકોએ ડરવાને બદલે સાવચેતી રાખવાની જરૂર છે. આ માટે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું તથા વારંવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઇઝર વાપરવું જેથી કરીને કોવિડ-19ના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય.

નાગરિકોને જે રીતે સહયોગ મળી રહ્યો છે એવો જ સહયોગ આગામી સમયમા મળતો રહેશે તો ચોકકસ કોવિડ-19ના કેસો ઉતરોત્તર જે રીતે ઘટી રહ્યા છે એમાં વધુ ઘટાડો થશે અને ગુજરાત કોરોનામુકત ઝડપથી બનશે આ માટે રાજયના તમામ નાગરિકોએ સાવચેતી રાખવી તેટલી જ અગત્યની છે.

(5:36 pm IST)