Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ક્રાઇમ બ્રાન્ચે નાયડુ ગેંગ ઝડપી:કુંભ મેળામાં 40 ચોરી અને ગુજરાતમાં 45 સહીત 100થી વધુ ગુનાના ભેદ ઉકેલાયો

કુંભના મેળામાં 40થી વધુ ચોરીના ગુનાને અંજામ આપી ગુજરાતમાં આવેલ ગેંગને દબોચી લીધી

અમદાવાદ : કુંભના મેળામાં 40થી વધુ ચોરીના ગુનાને અંજામ આપી નાયડુ ગેંગ ગુજરાતમાં આવેલી ગેંગએ તમારી કારમાંથી ઓઇલ ટપકે છે, તમારી પર મેલું પડ્યું છે તેમ કહી રસ્તે પસાર થતી વ્યક્તિઓની નજર ચૂકવી અમદાવાદ સહિત અનેક શહેરોમાં 45થી વધુ ચોરીઓના ગુનાને અંજામ આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી હાથમાં ના આવતી નાયડુ ગેંગને ક્રાઈમબ્રાન્ચે દબોચી લઈ 100થી વધુ ચોરીના ભેદ ખોલ્યા છે.

ક્રાઈમબ્રાન્ચના પીઆઈ આર.એસ.સુવેરાના સ્કોર્ડના પીએસઆઈ એસ.જે.વાઘેલા અને વાય.જી.ગુર્જરની ટીમ નાયડુ ગેગની તપાસમાં લાગી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધીરજકુમાર લક્ષ્મણભાઇ અને મેહુલકુમાર જ્યંતીલાલને બાતમી મળી હતી કે, કાલુપુર રેલ્વે સ્ટેશન સામે ગાંધીનગર જવાના બસ સ્ટેન્ડ પર નાયડુ ગેંગ આવવાની છે. બાતમી મુજબ પોલીસે નાયડુ ગેંગના શંકર મુર્ગેશ નાયડુ (ઉં,30), નાગરાજ વિરાસ્વામી નાયડુ (ઉં,40), સંતોષ ઉર્ફ ગોકુલ ઉર્ફ કાળીયો રાજુકુમાર નાયડુ (ઉં,36) અને દિનેશ પરમશીવા નાયડુ (ઉં,20)તમામ રહે,નંદુરબાર, મહારાષ્ટ્ર,ને સોમવારે ઝડપી લીધા હતા

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ રોકડ રૂ.65,700, લેપટોપ 2, હાર્ડ ડિસ્ક 1, પેન ડ્રાઈવ 3, ચેક બુક, કારના કાચ અને લોક તોડવાના સાધનો, 10-10ના દરની નવી નક્કોર નોટો, ડિસમીસ, છરા, પારલે બિસ્કિટ પેકેટ વગેરે મળી કુલ રૂ.1,50,030નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. .

નાયડુ ગેંગ રસ્તે પસાર થતી કાર પર ઓઇલ નાંખી રોડ પર 10-10ના દરની નોટ ગોઠવી દેતી હતી. તે પછી કાર ચાલકને તમારી કારમાંથી ઓઇલ ટપકે છે તેમ કહી નજર ચૂકવી ચોરી કરતી હતી. આ ઉપરાંત પારલે બિસ્કીટ ચાવીને તેનો ભુક્કો રસ્તે પસાર થતી વ્યક્તિના કપડાં પર નાયડુ ગેંગ નાંખતી હતી. બાદમાં તે વ્યક્તિને રોકી તમારી પર મેલુ પડ્યું તેંમ કહી વાતોમાં રાખી નજર ચૂકવી ચોરી કરતી હતી.

નાયડુ ગેંગએ ઉત્તરપ્રદેશમાં કુંભનો મેળો ભરાયો ત્યારે પ્રયાગરાગમાં ,ઝાંસી, કાનપુર, પ્રતાપગઢ અને ઉરઈ સહિત 7 સ્થળોએ 100થી વધુ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. 2017 થી 2020ના ગાળામાં નાયડુ ગેંગના સભ્યોએ ઉત્તરપ્રદેશમાં તરખાટ મચાવ્યો હતો.

ગુજરાતના અમદાવાદ, અડાલજ, કલોલ, કઠલાલ, પેટલાદ, વડોદરા શહેર, ખંભોળજ વગેરે જગ્યાએ 40થી વધુ ચોરીને નાયડુ ગેંગએ અંજામ આપ્યો હતો. અમદાવાદ શહેરના સોલા, વસ્ત્રાપુર, માધુપુરા, આનંદનગર, એલિસબ્રિજ, નારણપુરા અને રિંગરોડ વિસ્તારમાં થયેલી ચોરીઓના ભેદ ખુલ્યા છે.

(6:45 pm IST)