Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજપીપળા પોલીસે દિવાળીના તહેવારમાં બજારમાં ખરીદી કરતા ધ્યાનમાં રાખવા કેટલાક સૂચનો આપ્યા

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના મુજબ રાજપીપળા ટાઉન પીઆઇ એમ.બી. ચૌહાણે એક પેમ્પ્લેટના માધ્યમથી દિવાળીની શુભકામના સાથે ખરીદી કરતી વેળા કેટલીક જરૂરી બાબતો ધ્યાનમાં રાખવા જણાવ્યું છે. સુચનોમાં જણાવ્યા મુજબ દિવાળીના તહેવાર દરમ્યાન બજારોમાં ખરીદી કરતા સમયે પોતાના સામાનનું પૂરતુ ધ્યાન રાખો,બજારમાં રૂપિયાની લેતી દેતી દરમ્યાન આજુ - બાજુ કોઇ ઇસમ શંકાસ્પદ લાગે તો સાવચેતી રહેવું . - ખરીદી દરમ્યાન પોતાની પાસે વધુ રોકડ ન રાખવી તેમજ રોકડ વ્યવહારની જગ્યાએ સંભવ હોય તો ડીજીટલ પેમેન્ટનો આગ્રહ રાખવો તેમજ મોબાઇલ ફોન ઉપર આવતી લોભામણી લીંક ખોલવી નહીં તથા OTP નંબર કોઇને આપવો નહીં અને ફ્રોડ કોલથી સાવધાન રહેવું . - બજારમાં ખરીદી વખતે ભીડભાડ વાળી જગ્યાએ પોતાના રૂપિયા , મોબાઇલ ફોન તથા પહેરેલ સોના - ચાંદીના દાગીના જેવી કિંમતી ચીજ - વસ્તુઓનું ધ્યાન રાખવું અને જો કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાઇ આવે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા પોલીસ હેલ્પ લાઇન નંબર -૧૦૦ ઉપર સંપર્ક કરવો . - બજારોમાં ખરીદી દરમ્યાન બિનવારસી પડેલ કોઇ પણ ચીજ - વસ્તુઓને અડવું નહીં અને કોઇ બિનવારસી વસ્તુઓ જણાઇ આવે તો પોલીસનો સંપર્ક કરવો , - બજારમાં ખરીદી દરમ્યાન પોતાની સાથે આવેલ નાના બાળકોવૃધ્ધ વ્યક્તિઓ વિખુટા ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવું, બજારો માં ખરીદી દરમ્યાન અજાણી વ્યક્તિઓ દ્વારા લોભામણી જાહેરાત કરવામાં આવે અથવા તો કંઇ પણ વસ્તુ ખાવા - પીવા માટે આગ્રહ કરવામાં આવે તો લેવી નહીં અને આવા વ્યક્તિઓ પર વિશ્વાસ મુકવો નહીં . - દિવાળી વેકેશન દરમ્યાન બહાર ગામ ફરવા જાઓ ત્યારે પોતાના મકાનમાં કિંમતી સામાન બંધ મકાનમાં ના રાખતા સુરક્ષિત જગ્યાએ મુકીને જવુ તથા પડોશીઓ , વોચમેનને આ બાબતે અવશ્ય જાણ કરવી . - હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે દિવાળી દરમ્યાન વધુ ભીડભાડ વાળા બજારોમાં ખરીદી કરવા જવાનું ટાળવું અને જાઓ તો સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું , માસ્ક અવશ્ય પહેરવું તેમજ સરકારની ગાઇડ લાઇનનું અવશ્ય પાલન કરવું . - દિવાળી વેકેશન દરમ્યાન ઘરો બંધ કરીને જતા પહેલા પાડોશી અને પોલીસને જાણ કરવાની અગત્યની માહિતી આ પેમ્પ્લેટ દ્વારા આપવામાં આવી છે.

(10:19 pm IST)