Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રિક્ષાના મિનિમમ ભાડા પેટે હવે રૂપિયા ૧૮ ચૂકવવા પડશે

રિક્ષાનો ભાડા વધારો પાંચ નવેમ્બરથી અમલી : પ્રતિ કિમીનું ભાડું હવે રૂ. ૧૦ થી વધીને રૂ. ૧૩ વેઇટિંગનું ભાડુનું ભાડુ ૧ મિનિટનું રૂ. ૧ કરાયું

અમદાવાદ,તા. ૩ : પેટ્રોલ, ડીઝલ સાથે સીએનજીની કિંમતમાં થઇ રહેલા સતત વધારાને પગલે હવે રિક્ષા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. રિક્ષાનું મિનિમમ ભાડું હવે રૂપિયા ૧૫ને સ્થાને રૂપિયા ૧૮ કરાયું છે. આગામી પાંચ નવેમ્બરે બેસતું વર્ષ છે ત્યારથી આ ભાવવધારો અમલી બનશે.

સીએનજીની કિંમતમાં મંગળવારે રૂપિયા બેનો વધારો કરાયો હતો. આ સાથે જ સીએનજી કિંમત હવે વધીને રૂપિયા ૬૪.૯૯ થઇ ગઇ છે. સીએનજીની કિંમતમાં સતત થઇ રહેલા વધારાને પગલે રિક્ષાચાલકો છેલ્લા કેટલાક સમયથી રિક્ષા ભાડામાં વધારાને મંજૂરી કરવા સરકાર સમક્ષ દરખાસ્ત કરી રહ્યા હતા. સરકાર દ્વારા ભાવવધારાને મંજૂરી નહીં આપવામાં આવે તો રિક્ષાચાલકોએ હડતાળની પણ ચીમકી આપી હતી.  આખરે મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે ઓટો રિક્ષા એસોસિયેશનની બેઠક બાદ આ મુદ્દે સમાધાન થઇ ગયું છે.

જેના ભાગરૂપે મિનિમમ ભાડું (૧.૨ કિલોમીટર) જે હાલમાં રૂપિયા ૧૫ છે તે વધારીને રૂપિયા ૧૮ કરવામાં આવશે. પ્રતિ કિલોમીટર ભાડું જે હાલમાં રૂપિયા ૧૦ છે તે વધારીને રૂપિયા ૧૩ કરાશે. પ્રતિ કિલોમીટરનું ભાડું રૂપિયા ૧૦થી વધારીને રૂપિયા કરવા ઓટો રિક્ષા એસોસિયેશનની માગ હતી. વેઇટિંગ ભાડું જે અગાઉ પાંચ મિનિટનું રૂપિયા ૧ હતું તે હવે ૧ મિનિટનું રૂપિયા ૧ કરાશે. ઉલ્લેખનીય છે કે, ભાડા વધારાને મંજૂરી અપાઇ નહોતી તે અગાઉ જ અનેક રિક્ષાચાલકોએ ગત સપ્તાહથી મિનિમમ ભાડા પેટે રૂપિયા ૨૦ વસુલવાનું શરૂ કરી દીધું હતું.

(9:54 am IST)