Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અમદાવાદમાં વિચિત્ર બનાવ :2 કૂતરાના માલિકી અંગે વિવાદ : હાઇકોર્ટમાં અરજી:બન્ને પક્ષને 2-2 ગલૂડિયા વહેંચી લેવા આદેશ

ફરિયાદ માધુપુરા પોલીસમાં થયા બાદ બન્નેએ હાઇકોર્ટમાં ફરીયાદ રદ્દ કરવા અરજી કરી: હાઇકોર્ટે બન્ને પક્ષને ગલૂડિયા વહેંચી લેવા 14 દિવસનો સમય ગાળો આપ્યો

અમદાવાદ શહેરમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. શહેરમાં પગ પ્રજાતિના 2 કૂતરાના માલિક વચ્ચે ગલૂડિયાની માલિકીને લઇને વિવાદ થતાં બન્નેએ સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગલૂડિયા ચોરી લીધા હોવાની ફરિયાદ માધુપુરા પોલીસમાં થયા બાદ બન્નેએ હાઇકોર્ટમાં ફરીયાદ રદ્દ કરવા અરજી કરી હતી, ત્યારે ગુજરાત હાઇકોર્ટે બન્ને પક્ષને ગલૂડિયા વહેંચી લેવા 14 દિવસનો સમય ગાળો આપ્યો છે.

અરજદાર દ્વારા કરાયેલી અરજી અનુસાર, એક વ્યકિતનો મેલ ડોગ અને બીજાની માદા ડોગનું બ્રીડિંગ સેન્ટરમાં બ્રીડિંગ કરાવ્યા બાદ ગલૂડિયા થાય તો તેની માલિકી કોની રહેશે તે અંગે કોઇ લેખિત કરાર કર્યા નહોતા, તેથી ગલૂડિયાના જન્મ બાદ મેલ ડોગના માલિક ગલૂડિયા લેવા ગયા, ત્યારે માદા ડોગના માલિકે ઇન્કાર કરતા બન્ને વચ્ચે તકરાર થઇ હતી. જેને કારણે સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ગયો હતો. જોકે, બન્ને પક્ષે હાઇકોર્ટના દ્વારા ખખડાવતા કોર્ટે બન્નેને આપમેળે સમાધાન કરીને 2-2 ગલૂડિયા વહેંચી લેવા માટે 14 દિવસનો સમય આપ્યો છે. જોકે, ડોગના માલિક ગલૂડિયા વેચવા માંગતા નહોતા. તેથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે માલિક ગલૂડિયા પોતાની પાસે રાખશે તો 4 પૈકી 2 ગલૂડિયા તેમને આપવામાં આવશે પણ જો વેચશે તો તે આપવા તૈયાર નહોતા. જેથી ગલૂડિયાની માલિકી કોની રહેશે..? તે કારણે બન્ને ડોગના માલિક વચ્ચેની તકરાર ગુજરાત હાઇકોર્ટ સુધી પહોચી હતી.

(12:49 pm IST)