Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દિવાળી પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના કેદીઓ માટે સ્તુત્ય નિર્ણય : રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ અને ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને દિવાળીના તહેવારોમાં પંદર દિવસની પેરોલ મુક્તિ મળશે

ગંભીર ગુના સિવાયના કેદીઓ ઘર પરિવાર સાથે દિવાળી તહેવારો ઉજવી શકે તેવો ઉદાત્ત હિત ભાવ દર્શાવતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ૧ર૦ પુરૂષો-૬૧ મહિલા સહિત ૧૮૧ કેદીઓને મળશે લાભ

રાજકોટ તા.૩ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને  ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. 

મુખ્યમંત્રીશ્રીના આ ઉદાત્ત અભિગમના પરિણામે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા ૬૧ મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષથી વધુની વયના અંદાજે ૧ર૦ પુરૂષો  કેદીઓ સહિત કુલ ૧૮૧ લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે. 

આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

(3:04 pm IST)