Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગાંધીનગરના ઉવારસદમાં ખોટું પેઢીનામું કરી જમીન વેચી દેનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધિત ફરીયાદો વધી રહી છે ત્યારે ઉવારસદમાં ખોટુ પેઢીનામું કરીને જમીન વેચી દેવામાં આવી હોવાનું અને પચાવી પાડયાની ઘટના બહાર આવી છે. જેને લઈ ખેડૂતની ફરીયાદના આધારે અડાલજ પોલીસે ગાંધીનગર અમદાવાદના પાંચ શખ્સો સામે ગુનાહિત ષડયંત્ર અને લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કર્યો હતો. જિલ્લામાં જમીન પચાવી પાડવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આ પ્રકારના ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહીની તાતી જરૃરીયાત લાગી રહી છે.  

ગાંધીનગર જિલ્લામાં જમીનોના ભાવ આસમાનને આંબી રહયા છે ત્યારે જમીનો ખોટા દસ્તાવેજના આધારે ડખામાં નાંખી દેવાની સાથે પચાવી પાડવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે ત્યારે ઉવારસદમાં પણ બોગસ પેઢીનામાંથી જમીન પચાવી પાડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ઉવારસદના ખાંટવાસમાં રહેતા અમૃતજી સનાજી ઠાકોરે અડાલજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે ઉવારસદ ગામમાં તેમની વડીલોપાર્જીત જમીન આવેલી જે રેકોર્ડ ઉપર તેમના મૈયત વડીલોના નામ ચાલે છે. ગત જુલાઈ-ર૦ર૧માં આ જમીનના ૭/૧ર જોતાં તેમાં સીધી લીટીના વારસદાર તરીકે દીનાજી વેલાજી ઠાકોરની વારસાઈ નોંધ પડી હતી. જેમને તેમની સાથે કોઈ સંબંધ થતો નથી. ત્યારબાદ ગાંધીનગર મામલતદાર કચેરીમાં તપાસ કરતાં દિનાજી ઠાકોર રહે. ઈન્દિરાનગર ઈસનપુર મોટાએ સોગંદનામું રજુ કર્યું હતું અને તેમાં નાથીબેનના દિકરા તરીકે દર્શાવ્યો છે. આ પેઢીનામું રજુ કરાયું હતું જેમાં મરણના દાખલા પણ મુકવામાં આવ્યા હતા. જેથી આ સંદર્ભે ગાંધીનગર કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અરજી આપતાં તપાસ થઈ હતી અને દિનાજી ઠાકોર સાથે નરેન્દ્રકુમાર મગનભાઈ પરમાર રહે.એ/પપ, બાજીગર સોસાયટી સેટેલાઈટ અમદાવાદ મુળ મોટી દેવતી તા.સાણંદ, રાજેશ ઉર્ફે રાજુભાઈ નારણભાઈ પટેલ રહે.આઈ ૭૦૧,વાઈટ એલીગન્સ હંસપુરા અમદાવાદ, કાનાજી પુંજાજી ઠાકોર રહે.વડવાસા ગામની સીમ, તા.દહેગામ, જશવંત શંકરલાલ નાયક રહે.૩૮, નાયકનગર, નારદીપુર, કલોલ દ્વારા ગુનાહીત કાવતરૃ રચીને વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી હાલ તો આ અંગે અડાલજ પોલીસ મથકમાં આ પાંચેય વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબીંગ અને ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. 

(5:45 pm IST)