Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રોમિયો દ્વારા મહિલા પાસે બીભત્સ માગણી કરાઈ

અમદાવાદના પૂર્વ વિસ્તારનો બનાવ : મહિલાએ ફોન ઉઠાવી કોનું કામ છે પુછતાં પુરુષ ફોન પર જ મહિલા સાથે બીભત્સ વાતો કરવા લાગ્યો

અમદાવાદ,તા.૩ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફોન પર બીભત્સ માંગણીઓ કરી છેડતી કરનાર રોમિયો સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના એવી બની કે એક મહિલાનો પતિ જ્યારે કામે જાય ત્યારે કોઈ અજાણી વ્યક્તિ તેને ફોન કરતી હતી. ફોન કરીને મહિલા પાસે બીભત્સ માંગણીઓ કરતો હતો. ગંદી ગંદી વાતો કરી આ મહિલાને હેરાન કરતા આખરે મહિલાએ તેના પતિને આ અંગે જાણ કરતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મૂળ ગાંધીનગરની અને હાલ શાહીબાગ માં આવેલા એક ટાવર માં રહેતી ૩૯ વર્ષીય મહિલા સાસુ સસરા પતિ અને એક પુત્ર સાથે રહે છે. મહિલાનો પતિ શેર બજારનો બિઝનેસ કરે છે. આજથી પંદરેક દિવસ પહેલા મહિલાનો પતિ કામે ગયો ત્યારે તેને અજાણ્યા નમ્બર પરથી ફોન આવ્યો હતો. મહિલાએ ફોન ઉઠાવી કોનું કામ છે તેવી વાતો કરતા પુરુષનાટ અવાજમાં વાત કરનાર વ્યક્તિએ બીભત્સ વાતો કરવા લાગ્યો હતો.

              જેથી મહિલાએ આ શખસને આવી વાતો કરવાની ના પાડી હતી તો તે  વ્યક્તિએ મહિલાને મારી નાખવાની મહિલાને ધમકી આપી હતી. સાંજે પતિ કામેથી આવતા મહિલાએ આ સમગ્ર બાબતો તેના પતિને જણાવી હતી. છતાંય આ રોમિયો મહિલાને ફોન કર્યા કરતો હતો. જેથી કંટાળીને આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મહિલાઓ શહેરમાં સુરક્ષિત હોવાનો એકતરફ પોલીસ દાવો કરી રહી છે. પણ શહેરમાં અનેક એવી ઘટનાઓ બને છે જેમાં મહિલાઓ હકીકત માં સુરક્ષિત છે કે કેમ તે સવાલ ઉભો થાય છે. એક તરફ પોલીસ 'શી ટીમ' બનાવી છેડતી રોકવાની વાતો કરે છે પણ હકીકતમાં આ 'શી ટીમ' અધિકારી ઓનાં આદેશ મળે ત્યારે કોઈ જગ્યાએ વૃદ્ધાઓની મુલાકાત લે છે અને જાહેર જગ્યા પર છેડતી ના થાય તે માટે વોચ રાખે છે.

(5:49 pm IST)