Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પ્રેમિકા સાથે ઝઘડો થતા વડોદરામાં પ્રેમીએ ઝાડ પર લટકી મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: પ્રેમિકા સાથે ઝઘડો થતા રિસાઇને પ્રેમી યુવકે દુપટ્ટા વડે ગળે ઝાડ  પર ફાંસો ખાઇને આપઘાત કરી લીઘો હતો.ખેતરમાં જતા અન્ય લોકોએ ઝાડ પર લટકતી લાશ જોઇને  પોલીસને જાણ કરતા વરણામા પોલીસે  આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,છોટાઉદેપુરના પાલસંડા ગામમાં રહેતો નિકુંજ વિનુભાઇ રાઠવા અમદાવાદમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરીમાં નોકરી કરે છે.તેની સાથે તેના વતનના નજીકના ગામની યુવતી પણ નોકરી કરતી હતી. નિકુંજના બનેવી  ડભોઇરોડ  પરના કેલનપુર ગામ પાસેના સુલતાનપુરા ગામે રહે છે.ગઇકાલે નિકુંજ અને તેની પ્રેમિકા બનેવીના ઘરે આવવા નીકળ્યા હતા.કેલનપુર ગામ પાસે બસમાંથી ઉતર્યા પછી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.અને રિસાઇને નિકુંજ કેલનપુર ગામે જ રોકાઇ ગયો હતો.જ્યારે તેની પ્રેમિકા બનેવીના ઘરે જતી રહી હતી.આવેશમાં આવીને નિકુંજે પ્રેમિકાના દુપટ્ટાથી ઝાડ  પર ફાંસો ખાઇ લીધો હતો.ખેતરમાં આવતા અન્ય શ્રમજીવીઓની નજર ઝાડ પર લટકતી લાશ પર પડતા તેમણે વરણામા પોલીસને જાણ કરી હતી.પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસને કોઇ ચિઠ્ઠી મળી નથી.મૃતકના મોબાઇલમાં કોઇ મેસેજ પણ નથી.

(5:57 pm IST)