Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ખાનગી હોસ્‍પિટલમાં ફરજ બજાવતા કર્મચારીના પુત્રને પોલીસ કોન્‍ટેબલે બેરહમીપૂર્વક માર માર્યાનો બનાવ હાઇકોર્ટમાં પહોંચ્‍યો : નોટીસ ફટકરાઇ

વડોદરા : વડોદરામાં લોકડાઉન(Lockdown) દરમિયાન કોરોના વોરિયરના પુત્રને માર મારવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે પોલીસને નોટિસ ફટકારી છે.હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં CID ક્રાઈમને તપાસ સોંપવાની માગણી કરાઈ છે.અત્યાર સુધી આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી તેના દસ્તાવેજો સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનના અધિકારીને હાઇકોર્ટમાં હાજર રહેવા હુકમ કરાયો છે.

સમગ્ર કેસ શું છે તેની વાત કરીએ તો લોકડાઉન દરમિયાન ખાનગી હોસ્પિટલના એડમીન વિભાગમાં ફરજ બજાવતા રાધા ગોહિલના પુત્ર નેહલને પોલીસ કોન્સ્ટેબલ રાવજીભાઈએ બેરહેમીપૂર્વક માર માર્યાનો આક્ષેપ છે. 9 એપ્રિલ 2020ના રોજ રાધા ગોહિલને હોસ્પિટલમાં મૂકી પુત્ર નેહલ ઘરે પરત ફરી રહ્યો હતો તે વખતે તેને માર મારવામાં આવ્યો હતો.

જે બાદ પોલીસે ભોગ બનનાર નેહલ અને રાધા ગોહિલ વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો હોવાનો રાધા ગોહિલનો આક્ષેપ છે.. તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઇને પોલીસ કમિશ્નર કચેરીએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. હાઈકોર્ટે આ મુદ્દે પોલીસને નોટિસ ફટકારી છે.

(11:07 pm IST)