Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સુરતમાં 88 વર્ષ બાદ ડિસેમ્બરમાં વરસાદ પડ્યો

અઠવા, ખટાદરા, રાંદેર અને વરાછા સહિત સમગ્ર શહેરમાં વરસાદ: સતત બે દિવસથી વરસાદી માહોલ

સુરત :અરબી સમુદ્રમાં સર્જાયેલ લૉ પ્રેસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો થયો છે શિયાળાની ઋતુમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સુરતમાં 88 વર્ષ પછી ડિસેમ્બરમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે.

સુરત શહેરમાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરના અઠવા, ખટાદરા, રાંદેર અને વરાછા સહિત સમગ્ર શહેરમાં વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં સવા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જે પૈકી ઉમરપાડામાં 1.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદના પગલે સમગ્ર જિલ્લામાં શીતલહેર પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે તાપમાનનો પારો 11 ડિગ્રી ગગડતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે.

કમોસમી માવઠું ખેડૂતો પર આફત બનીને વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ઘઉં અને કપાસની ખેતીને અંદાજે 25 કરોડ રૂપિયાનું નુક્સાન થવા પામ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 40 હજાર એકરમાં પથરાયેલી કપાસની ખેતી બગડી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે. રોજના 50 હજાર ટન શેરડીની કાપણી પણ અટકી પડી છે. જેના કારણે ખેડૂતોને નુક્સાન થઈ રહ્યું છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગુરુવાર સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.

(9:39 am IST)