Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભારતનું ચૂંટણી પંચના કમિશનર - અધિકારીઓ ૧૫મી ડિસેમ્બરે રાજકોટમાં : કલેકટર કચેરીમાં મીટીંગ : EVM હાઉસ જોશે

૨૦૨૨ની ચૂંટણીની તૈયારીઓ શરૂ : રાજકોટને ખાસ અગ્રતાક્રમ : કલેકટર તંત્ર દ્વારા ફાઇલો તૈયાર થઇ રહી છે

રાજકોટ તા. ૩ : આગામી ૨૦૨૨ ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થનાર છે, હાલ રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, આવી રહેલ ચૂંટણીઓ અંગે પંચે તૈયારીઓ શરૂ કરી છે અને રાજકોટ જિલ્લાને ભારે અગ્રતાક્રમ આપ્યો છે.

કલેકટર કચેરીના ટોચના સૂત્રોના કહેવા મુજબ ભારતનું ચૂંટણીપંચના કમીશનર - સિનીયર મોસ્ટ અધિકારીઓ ૧૫ ડિસેમ્બરે રાજકોટ આવી રહ્યા છે, ચૂંટણી કમિશનર તથા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ અને અધિકારીઓ સાથે મતદાર યાદી - મતદાન મથકો - સ્ટાફ - તૈયારીઓ અંગે ખાસ મીટીંગ કરશે તથા ૧૦ કરોડના ખર્ચે માધાપર ચોકડી ખાતે બનાવાયેલ વિશાળ કિલ્લા જેવા ઇવીએમ હાઉસનું પણ નિરીક્ષણ કરશે. ચૂંટણીપંચ સાથે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી અનુપમ આનંદ પણ ખાસ આવી રહ્યા છે.

દરમિયાન કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ પત્રકારોને જણાવ્યું હતું કે, ૧૫ ડિસેમ્બર આસપાસ ચૂંટણી પંચના કમિશનર કે અધિકારીઓ આવી રહ્યા છે. ડેઇટ હજુ ફાઇનલ થઇ નથી, કોણ આવે છે તે નામો પણ હાલ ફાઇનલ થયા નથી અને આવ્યા બાદ કલેકટર કચેરીમાં મીટીંગ - ઇવીએમ હાઉસનું નિરીક્ષણ કરે તેવી શકયતા છે.

(3:34 pm IST)