Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકો પણ શિક્ષણ મેળવી સન્માન સાથે ઉત્સાહભેર જીવન જીવી શકે તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ - શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

રાજ્યકક્ષાના ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની ઉજવણી નિમિત્તે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે વિવિધ દિવ્યાંગ બાળકોને વિવિધ સાધન સહાય-ચેક વિતરણ કરાયાં :આજે રાજ્યભરમાં વધુ ૪ હજાર જેટલાં બાળકોને UID કાર્ડ-દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપાશે

રાજકોટ તા.૩ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે, સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકો પણ શિક્ષણ મેળવી સન્માન સાથે ઉત્સાહભેર જીવન જીવી શકે તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. 

ગાંધીનગર ખાતે આજે તારીખ ૩ ડિસેમ્બર-વિશ્વ દિવ્યાંગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ દિવ્યાંગ બાળકોને વિવિધ સાધન સહાય તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. 

મંત્રીશ્રી વાઘાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગોને સમાજમાં વિશેષ સન્માન મળે તેવા ઉદ્દેશ્યથી તેમને ‘દિવ્યાંગજન’ તરીકે સંબોધન કરીને વિશેષ ઓળખ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર પણ દિવ્યાંગજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતા તમામ લાભો, તેમના અધિકારો સમયસર મળી રહે જેના થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કાર્યરત છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યભરની શાળાઓમાં સામાન્ય બાળકોની સાથે દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી શકે તેવું વધુ સારુ વાતાવરણ ઉભું કરવું પડશે. દિવ્યાંગ બાળકોને માનસિક અને શારીરિક હૂંફ મળી રહે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી વિવિધ સહાય છેક છેવાડાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેની વધુ ચિંતા કરવી પડશે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને અને તેમની સાથે જોડાયેલા શિક્ષકોને પણ ગુણવત્તાયુક્ત તાલીમ મળી રહે તેની સતત ચિંતા કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે જ શિક્ષણ તેમજ સરકારી નોકરીમાં પણ દિવ્યાંગોને ખાસ અનામત આપવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ સંવેદના સાથે આપણા વિવિધ ઉત્સવો, જન્મદિવસ કે આપણા સ્વજનની પુણ્યતિથિ આપણે દિવ્યાંગ બાળકો સાથે ઉજવીને તેમને વધુ પ્રોત્સાહિત કરી સંકલ્પબદ્ધ બનવા પણ ઉપસ્થિત સૌ શિક્ષકો, વાલીઓ, SMCના સભ્યો અને અધિકારીઓને આ પ્રસંગે અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે એલીમકો ઉજ્જૈન દ્વારા અસેસમેન્ટ કરેલ જુદીજુદી દિવ્યાંગતાવાળા રાજ્યભરના ૨૪ હજાર જેટલાં બાળકોને સાધન સહાય વિતરણ કરાયું હતું. જેના ભાગરૂપે પાંચ બાળકોને પ્રતિકરૂપે સાધન સહાય વિતરણ, પાંચ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ & એસ્કોર્ટ એલાઉન્સના રૂ-૨૫૦૦/-ની રકમના ચેક તેમજ દિવ્યાંગ કન્યાઓને પ્રોત્સાહન મળે એ માટે  રૂ-૨૦૦૦/-ની રકમના ચેકનું શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ સાથે સંવેદનાસભર સંવાદ કરીને તેમના ખબર-અંતર પૂછયાં હતા.  

શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવે જણાવ્યું હતું કે, આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે રાજ્યભરમાં વધુ ૪ હજાર જેટલાં બાળકોને જિલ્લા-તાલુકાકક્ષાએ UID કાર્ડ-દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપાશે. અત્યારસુધીમાં ૭૩ હજાર જેટલા બાળકોને વિકલાંગતાના પ્રમાણપત્રો એટલે કે યુડીઆઇડી કાર્ડ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભારત સરકારના પીએસયુ ALIMCO દ્વારા અંદાજિત રૂ. ૧૧ કરોડના ખર્ચે ૨૪ હજાર જેટલાં જુદી-જુદી દિવ્યાંગતા ધરાવતા બાળકોના સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આજે શિક્ષણ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને શરૂ કરવામાં આવ્યો છે. 

વધુમાં સમગ્ર શિક્ષા અંતર્ગત તાલુકા કક્ષાથી રિસોર્સ રૂમમાં વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળે તે માટે ૧૨૦૦ જેટલા રિસોર્સ રૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે અને આગામી સમયમાં રાજ્યના તમામ ક્લસ્ટર એટલે કે ૩૨૪૭ જેટલા ક્લસ્ટરમાં રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સેકટર-૧૯, ગાંધીનગર ખાતે યોજાયેલા રાજયકક્ષાના વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર શિક્ષાના ઉચ્ચ અધિકારીઓ, ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યભરની શાળઆઓમાંથી દિવ્યાંગ બાળકો, વાલીઓ, શિક્ષકો અને SMCના સભ્યો જોડાયા હતા. 

(4:19 pm IST)