Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

અમદાવાદમાં હજુ બે દિવસ ઠંડીનો માહોલ રહેશે

વેર્સ્ટન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્કયુલેશનની અસરથી ૨૦થી ૩૫ કિ.મી.ની ઝડપે ફુંકાતો ઠંડો કાતિલ પવન

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદમાં 15થી 20 કિ.મી. અને 20થી 35 કિ.મી.ની ઝડપના ઝાટકાના ઠંડા કાતિલ પવનોની મહત્તમની સાથે લઘુતમ તાપમાનમાં માત્ર 3 ડિગ્રીનો ફરક રહ્યો હતો. જેને પગલે દિવસ દરમિયાન શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા.બે દિવસ ઠંડી યથાવત રહ્યા બાદ 4થી 6 ડિસેમ્બર દરમિયાન ઠંડીમાં ઘટાડો થશે.

બુધવારે મોડી રાતથી શરૂ થયેલા ઠંડા પવન ગુરુવારે પણ આખો દિવસ ચાલુ રહ્યા હતા. જેને કારણે લોકો રીતસરના થથરી ગયા હતા. ઠંડા પવનોની અસરથી બે દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 11 ડિગ્રી ગગડીને 19.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ગગડીને 16.9 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં 25 નવેમ્બરે સૌથી નીચું 14.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જો કે, એ સમયે મહત્તમ તાપમાન વધુ ન હોવાના કારણે આટલી ઠંડી લાગી ન હતી.

કાતિલ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. દરિયાકાંઠાના શહેરોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 19 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. રાજ્યમાં 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. પરંતુ, 4 ડિસેમ્બરથી એક નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેથી અસરથી 6 ડિસેમ્બર સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડી જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનના કારણે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. બુધવારે વહેલી સવારે કેટલાક વરસાદી ઝાપટું પડ્યું હતું. તો ગુરુવારે પણ સવારથી જ કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો. જેના કારણે ઠંડક વધી હતી. લોકો પણ વિચારમાં પડી ગયા હતા કે રેઈનકોટ પહેરવું કે સ્વેટર.

(6:10 pm IST)