Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સુરતમાં દહેજ મામલે પરિણીતાને ત્રાસ આપી જીવતી સળગાવી દેનાર પતિ સહીત સાસુને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

સુરત:શહેરના આંબાવાડી વિસ્તારમાં આઠેક વર્ષ પહેલાં લગ્નજીવનના ટુંકાગાળામાં પુત્રવધુને દહેજના મુદ્દે ત્રાસ આપી કેરોસીન છાંટીને સળગાવી મારનાર પતિ-સાસરીયા પૈકી આરોપી પતિ તથા સાસુને આજે એડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે હત્યા,દહેજપ્રતિબંધક ધારા તથા પુરાવાનો નાશ કરવાના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદ તથા મૃત્તકના આરોપી પતિને 15 હજાર તથા સાસુને 2 હજાર દંડ અને દંડ ન ભરે તો અનુક્રમે વધુ ચાર માસ તથા બે માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

નાનપુરા કદમપલ્લી નજીક અમીનાવાડી ખાતે રહેતી 22 વર્ષીય ફરિયાદી હીનાબાનુંને લગ્નજીવનના ટુંકાગાળામાં આરોપી પતિ મહેતાબબેગ મિરઝા,સાસુ નસીમબાનુ ઉર્ફે નઝમા,સસરા અહમેદબેગ તથા સગીર વયની નણંદ દ્વારા દહેજના મુદ્દે ત્રાસ આપતા હતા.પરંતુ પતિ-સાસરીયાની દહેજની ભૂખને સંતોષવાનો ઈન્કાર કરનાર હીનાબાનુ પર આરોપી પતિ-સાસરીયાઓએ તા.6-1-2013ના રોજ એકબીજાની મદદગારીમાં પરણીતા પર કેરોસીન છાંટીને સળગાવી માર્યા બાદ ગુનાવાળી જગ્યાએ સાફ સફાઈ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, ગંભીર દાઝેલી હીનાબાનુએ હોસ્પિટલમાં મરણોન્મુખ નિવેદનમાં પતિ-સાસરીયાઓ વિરુધ્ધ દહેજ સંબંધી ત્રાસ અને સળગાવી મારી હોવાનું જણાવ્યું હતુ. ત્રણ દિવસની સારવાર બાદ હીનાબાનુંએ દમ તોડતા અઠવાલાઇન્સ પોલીસે દહેજ પ્રતિબંધક ધારા, હત્યા હત્યાનો પ્રયાસ તથા પુરાવાના નાશ કરવાના ગુનામાં પતિ-સાસરીયાની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન આરોપી સસરા અહેમદ બેગ ઉર્ફે આમદ અમીરબેગ મિરઝાનું મરણ થતાં તેમને કેસમાંથી એબેટ કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપી પતિ મહેતાબ બેગ તથા સાસુ નસીમબાનુ  મિરઝા વિરુધ્ધ કેસ કાર્યવાહીની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ રજૂ કરેલા મરનારના ડાઈંગ ડેકલેરેશન,તબીબી પુરાવા તથા ફોરેન્સિક સાયન્સના પુરાવાના આધારે કોર્ટે આરોપી પતિ-સાસુને ઉપરોક્ત તમામ ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

સુરતના હજીરા રોડ વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર  આરોપીને અદાલતે  10 વર્ષની સજા  ફટકારી 

સુરત:શહેરમાં હજીરા રોડના એક ગામમાં રહેતી 19 વર્ષીય યુવતિ તા.2-4-2019ના રોજ સાંઈ મંદિર પાસે દુધની ડેરી પર દૂધ લેવા જતી હતી.જે દરમિયાન 23વર્ષીય આરોપી બળવંત ઉર્ફે બલ્લો જયંતિ રાઠોડે ભાઠા પ્રાથમિક શાળા પાસે બાઈક લઈને ચાલ મારી મોટરસાયકલ પર બેસી જા, આપણે કોળી પટેલ સમાજના મસાણે બેસવા જઈએ તેવું જણાવીને યુવતીને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ મસાણની દિવાલની ઓથે તેની ઇચ્છા વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. જે દરમિયાન 22વર્ષીય સહ આરોપી સમીર ઉર્ફે સોમા નટુભાઈ રાઠોડે તરુણીને દુષ્કર્મ આચરવા નહીં દે તો તારા ઘરે તથા મહોલ્લામાં બધાને વાત કરી દઈશ તેવું જણાવી તેણે પણ બળાત્કાર ગુજાર્યો હતો.

જેથી ભોગ બનનારે બંને આરોપી યુવકો વિરુધ્ધ ઈચ્છાપોર પોલીસમાં પોતાની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હોવા અંગે ફરિયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપીઓ વિરુધ્ધનો કેસના સમર્થનમાં મેડીકલ, એફએસએલ તથા સાંયોગિક પુરાવા રજૂ કર્યા હતા.  બચાવપક્ષ આ હકીકતનું ખંડન કરવા તથા પોતાની ગુનાઈત માનસિકતા નથી એ પુરવાર કર્યુ નથી. આરોપી બળવંતે કહેવાતા પ્રેમસંબંધના આડ હેઠળ ભોગ બનનારને પોતની સાથે લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યો છે. જ્યારે સહ આરોપી સમીર ઉર્ફે સોમાએ પણ ડરાવી ધમકાવીને ભોગ બનનારનું શારીરિક શોષણ કર્યું છે. જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે

(6:47 pm IST)