Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કોરોનાના મૃતકોને સત્વરે સહાય મળે એ માટે રાજય સરકાર કટિબધ્ધઃમહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

કોરોનાના મૃતકોને સહાય માટે શરૂ કરેલ પોર્ટલનુ નામ iora.gujarat.gov.in :અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનુ લોન્ચીગ કરતા મંત્રી: વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશેઃદિન-૩૦માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થશે

ગાંધીનગર :મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજયમા જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે. કોરોનાના મૃતકો ને સહાય માટે શરૂ કરેલ પોર્ટલનુ નામ iora.gujarat.gov.in છે
આજે ગાધીનગર ખાતેથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીંગ કરતા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમા સીધી જમા થશે.
તેમણે ઉમેર્યુ કે,ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ. ૫૦,૦૦૦ ની સહાય (ex-gratia assistance) આપવાનું નક્કી કરાયુ છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરે બેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૨૮/૧૧/૨૦૨૧ના ઠરાવ પ્રમાણે Covid -19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે RTPCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર,  ફોર્મ 4 અથવા  4-A અપલોડ કરવાના રહેશે.
તેમણે કહ્યુ કે,આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલ અરજી અન્વયે દિન-૩૦માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું

 અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે અરજીઓ સ્વીકારવામા આવે છે એ પ્રક્રિયા ચાલુ રહેશે.
આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની,આરોગ્ય વિભાગના સચિવ અને કમિશ્નર જયપ્રકાશ શિવહરે, રાહત કમિશ્નર આન્દ્રા અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પોર્ટલ તૈયાર કરવા માટે મહેસૂલ વિભાના અધિકારી કર્મચારીઓ તથા એન.આઈ.સી ગુજરાતના સંનિષ્ઠ પ્રયાસોને બિરદાવીને સમગ્ર ટીમને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

(7:12 pm IST)