Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સાબરમતી ના તટે વિકાસની વણથંભી વણઝાર :અમદાવાદના નગરજનોને ૭૧૧ કરોડના વિકાસ પ્રકલ્પો ની ભેટ ધરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના ૭૧૧ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું :મુખ્યમંત્રીએ નવી ઈલેક્ટ્રીક બસોને લીલીઝંડી આપી પ્રદુષણમુક્ત અને આધુનિકતાના સમન્વય સમાન ૬૦ નવી ઈલેક્ટ્રીક બસો અમદાવાદ શહેરમાં દોડતી થઈ

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'હેરિટેજ સિટી અમદાવાદ'ની સંપૂર્ણ માહિતી આપતી 'સ્માર્ટ હેરિટેજ મોબાઈલ' એપનુ લોન્ચીંગ અને અમદાવાદ શહેર વિષે મહત્વની માહિતી આપતા કેટલોગનું અનાવરણ કરવામાં આવ્યું હતું.પી.એમ.સ્વનિધી યોજનાના  લાભાર્થીઓને પ્રતિકારૂપે  મુખ્યમંત્રીના  હસ્તે સહાય વિતરણ કરાઇ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના નગરજનોને ૭૧૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની  ભેટ અર્પણ કરી હતી.જેમાં ૫૨૧ કરોડના ૨૧ પ્રજાલક્ષી કામોના લોકાર્પણ અને ૧૯૦ કરોડ ના ખર્ચે ૧૩ જનહિતલક્ષી  કાર્યોનું ખાતમૂહુર્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આજના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસના ધ્યેયને વરેલી રાજ્ય સરકારે શહેરો અને ગામડાંઓને સુવિધાયુક્ત બનાવવા અનેકવિધ પગલાં ભર્યા  છે.લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગ કરીને જ્યાં માનવી ત્યાં સુવિધા પહોંચાડવા સરકારે કમર કસી છે.
પ્રવર્તમાન સરકારે નિર્ધારિત સમય પહેલા  વિકાસ કાર્યો  પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા  ગુજરાતના શહેરો અને ગામોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના  સંકલ્પને પૂર્ણ કરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, રાજ્યના શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ ની સુવિધાઓ આપીને જનહિત લક્ષી સેવાઓને સીટીઝન સેન્ટ્રિક બનાવવા સરકાર દ્વારા સુદ્રઢ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.
આજે લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોમાં એ ઇ-બસો નું લોકાર્પણ ટકાઉ વિકાસના નિર્ધારને વેગવંતુ બનાવશે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે નાગરિકો માટે તેમના પ્રશ્નોની રજૂઆત અંગે ના સરકારમાં દરવાજા હર હંમેશ ખુલ્લા હોવાનું જણાવી પ્રજાના પ્રશ્નો અને તેમની રજુઆતોના નિવારણ લાવવા માટે સરકારે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા હોવાનુ જણાવ્યું હતું.
રાજ્યના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે મોડેલ સ્ટેટ બનાવવા ની દિશામાં સરકાર કટિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
લોકાર્પણ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોમાં ઈતિહાસીક વિક્ટોરિયા ગાર્ડન નું રીડેવલપમેન્ટ અને ૧૦૦ કરોડ ના ખર્ચે વિકસાવેલી ૬૦ નવી બી.આર.ટી.એસ. બસ અને ચાર્જિંગ સ્ટેશનને પણ નગરજનોની સેવામાં ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ વિકાસ કાર્યોમાં અમદાવાદ શહેરના નરોડા અને નિકોલ વિસ્તારમા નવા બે ફાયર સ્ટેશનોનો  પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના વરદ હસ્તે પી.એમ. સ્વનિધી યોજનાના લાભાર્થીઓને પ્રતિક રૂપે સહાય વિતરણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે હેરિટેજ સિટી અમદાવાદથી અવગત કરાવતી 'સ્માર્ટ હેરિટેજ મોબાઈલ' એપનુ લોન્ચીંગ અને અમદાવાદ શહેર વિષે મહત્વની માહિતી આપતા  કેટલોગનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત  કાર્યક્રમમાં મંત્રી પ્રદીપભાઈ પરમાર, ધારાસભ્ય સર્વ વલ્લભભાઈ કાકડીયા, સુરેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ,શહેરના મેયર  કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, મ્યુનિસિપલ કમિશનર મૂકેશ કુમાર, પૂર્વ મેયર અમિતભાઈ પોપટલાલ શાહ, કોર્પોરેટરઓ, અમ.મ્યુ.કોર્પો.ના અધિકારીઓ, શહેરના અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(7:51 pm IST)