Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

૮૯ મતક્ષેત્રોમાં ૧,૫૧,૭૮,૮૬૨ લોકોએ મત આપ્‍યો : ૮૭,૯૭,૮૦૮ મતદાનથી અળગા

ન જાને પ્રત્‍યાશી કા કયા હાલ હૈ, પલપલ નતીજા કા ઇંતઝાર હૈ.... : કુલ સત્તાવાર મતદાન ૬૩.૩૧ ટકા : પુરૂષોનું મતદાન ૬૫.૬૯ ટકા :સ્ત્રીઓનું મતદાન ૬૦.૭૫ ટકા : સૌથી વધુ ૮૨.૭૨ ટકા મતદાન ડેડીયાપાડામાં

રાજકોટ તા. ૩ : ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી સૌરાષ્‍ટ્ર - કચ્‍છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકોનું મતદાન ગુરૂવાર પૂરૂં થઇ ગયું છે. મધ્‍ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની બાકીની ૯૩ બેઠકોનું મતદાન સોમવારે છે. પ્રથમ ચરણમાં રાજ્‍યમાં તમામ મતક્ષેત્રમાં મળી સરેરાશ ૬૩.૩૧ ટકા મતદારોએ મતદાન કર્યું છે. બાકીના મતદારો નિરસતા અથવા અન્‍ય કોઇ કારણસર મતદાનથી અલિપ્‍ત રહ્યા છે.

પ્રથમ ચરણની ૮૯ બેઠકોમાં ૨,૩૯,૭૬,૬૭૦ મતદારો નોંધાયેલ. તે પૈકી ૧,૫૧,૭૮,૮૬૨ મતદારોએ મતાધિકાર ભોગવ્‍યો છે. જેમાં ૮૧,૬૬,૯૦૫ પુરૂષો અને ૭૦,૧૧,૭૯૫સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. અન્‍ય ૬૧ મતદારોએ મતદાન કર્યું છે. પુરૂષોનું મતદાનસ્ત્રીઓના મતદાન કરતા ૫ ટકા જેટલું વધુ રહ્યું છે. ૮૭,૯૭,૮૦૮ મતદારોએ મતાધિકાર ભોગવ્‍યો નથી.

રાજકીય પક્ષો, ઉમેદવારો અને ચૂંટણી પંચે મહત્તમ મતદાન માટે ભરપૂર પ્રયાસો કરેલ છતાં કુલ મતદાન ૬૩.૩૧ ટકાએ અટક્‍યું છે. બીજા તબક્કાના મતદાન માટે પક્ષોએ વધુ મતદાનની રણનીતિ ઘડી છે. લોકશાહીમાં એક-એક મત મહત્‍વનો ગણાય છે. સોમવારે બીજા તબક્કાનું મતદાન થઇ ગયા બાદ ગુરૂવારે સવારથી મત ગણતરી શરૂ કરવામાં આવશે. તે દિવસે બપોર સુધીમાં ચિત્ર સ્‍પષ્‍ટ થઇ જશે.

૮૯ મત ક્ષેત્રોમાં ૬૫ ટકાથી વધુ મતદાન થયું છે તેવી બેઠકોમાં માંડવી, કચ્‍છ, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, વાંકાનેર, જામજોધપુર, સોમનાથ, બોટાદ, નાડોદ, ડેડીયાપાડા, જંબુસર, વાગરા, જગડીયા, માંગરોળ, સુરત, મહુવા-સુરત, વ્‍યારા, નિઝાર, ધરમપુર, વલસાડ, કપરાડા વગેરેનો સમાવેશ થાય છે. દરેક પક્ષોએ પોતાની જીતનો દાવો કર્યો છે. કોનો દાવો સાચો તે પરિણામ વખતે ખબર પડશે.

(12:19 pm IST)