Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગ પર ચાલવા નીકળેલ ત્રણ શખ્સોને ટ્રેલરે હડફેટે લેતા વૃદ્ધનુ મૃત્યુ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે દહેગામ કપડવંજ માર્ગ ઉપર ગઇકાલે રાત્રે ચાલવા માટે નિકળેલા પાલુન્દ્રા ગામના ત્રણ વ્યક્તિઓને ટ્રેલરે અડફેટે લીધા હતા જે પૈકી વૃધ્ધનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે દહેગામ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર ટ્રેલરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

જિલ્લામાં હાઇવે માર્ગો હાલ અકસ્માત માટે હોટસ્પોટ બની ગયા છે ત્યારે દહેગામ તાલુકામાં પણ કપડવંજ -દહેગામ અને બાયડ-દહેગામ હાઇવે ઉપર અકસ્માતની ઘટના બનતી રહી છે. અહીં બેફામગતિએ દોડતા ટ્રક અને ટ્રેલર આસપાસના ગ્રામજનો માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે. ત્યારે ગઇકાલે કપડવંજ દહેગામ હાઇવે ઉપર પાલુન્દ્રા ગામના પાટીયા પાસે ટ્રેલરે ચાલતા જઇ રહેલા પાલુન્દ્રાના ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા આ અંગે મળતી વિગતો પ્રમાણે, પાલુન્દ્રામાં રહેતા કિરણકુમાર પોપટલાલ જોષી, ઘેમસિંહ સોમસિંહ ચૌહાણ અને કેસરીસિંહ અંદરસિંહ ચૌહાણ રાત્રે જમીને ગામ પાસે હાઇવે ઉપર ચાલવા નિકળ્યા હતા આ દરમ્યાન કપડવંજ તરફથી આવી રહેલા ટ્રેલર ચાલકે આ ત્રણેયને અડફેટે લીધા હતા જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ૭૦ વર્ષિય કેસરીસિંહ ચૌહાણનું મોત થયું હતું જ્યારે કિરણકુમાર અને ઘેમસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રેલરનો ચાકલ થોડે દૂર ટ્રેલર મુકીને નાસી છૂટયો હતો.આ મામલે દહેગામ પોલીસે ગુનો નોંધીને ફરાર ટ્રેલરચાલકને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

(5:30 pm IST)