Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મહીસાગરના વીરપુર ખાતે ભાજપના ઉમેદવારના સમર્થનમાં આગવી અદામાં જનસભાને સંબોધીઃ સભામાં સરપંચને ઉભા કરી પુછ્‍યુ આ વર્ષે કેટલા નાણા આવ્‍યા?

કેન્‍દ્રીય મંત્રીની ઉપસ્‍થિતિમાં સભામાં માનસિંહ ચૌહાણ, દશરથભાઇ બારીયા, મુકેશભાઇ શુકલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા

મહીસાગરઃ મહીસાગરના વીરપુરમાં ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણના સમર્થનમાં કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આગવી અદામાં જાહેરસભાને સંબોધી હતી. સભામાં સરપંચને ઉભા કરી પુછ્‍યુ, આ વર્ષે કેટલા નાણા આવ્‍યા ત્‍યારે સરપંચે જવાબ આપ્‍યો 90 લાખ મળ્‍યા છે. લોકોએ તાળીઓ પાડી વધાવ્‍યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની મહીસાગરના વીરપુરમાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાની આગવી અદામાં ભાષણ આપ્યું હતું. 

બાલાસિનોર વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણના સમર્થનમાં કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વિરપુર ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. કે સી શેઠ કોલેજ મેદાન ખાતે સભાને સંબોધતા માનસિંહ ચૌહાણને પ્રચંડ બહુમતિથી જીતાડી ગાંધીનગર મોકલવા અપીલ કરી હતી. 

પરસોતમ રૂપાલાએ આગવા અંદાજમાં સંબોધતા સભામાંથી સરપંચને ઊભા કરી સરકારના આ વર્ષે કેટલા નાણાં આવ્યા છે? તેમ પૂછતા સરપંચે કહ્યું 90 લાખ. આ જ મુદ્દાને ઉપાડી લઈ ગ્રામ વિકાસ માટે મોદી સરકાર સરપંચોના ખાતામાં સીધા નાણાં આપે છે, તેમ જણાવી અમે વહેવાર કર્યો હવે તમારે વહેવાર કરવાનો વારો આવ્યો પછી સવાયો કરીને આપીશું. તેમ લાક્ષણિક અદામાં જણાવતા લોકોએ તાળીઓથી વધાવ્યા હતા. 

વધુમાં પરસોતમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે મોદી સરકારની આયુષ્માન ભારત સહિતની જનકલ્યાણકારી યોજનાઓ વિષે તેમના આગવા અંદાજમાં લોકોને રસ તરબોળ કર્યા હતા. કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં આ સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, બાલાસિનોર વિધાનસભા બેઠકના ઉમેદવાર માનસિંહ ચૌહાણ, અગ્રણી મુકેશભાઈ શુકલ, સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

(5:38 pm IST)