Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

‘જેનાથી પાયલટ સાહેબ સંભાળી શકતા નથી, તેઓ ગુજરાતની ચિંતા છોડી દે તો સારૂ છે': કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીના કોંગ્રેસના નેતા અશોક ગેહલોત પર શાબ્‍દીક પ્રહાર

મતને અધિકારની દ્રષ્‍ટિએ ન જુઓ પણ જવાબદારી તરીકે જુઓઃ સ્‍મૃતિ ઇરાની

અમદાવાદઃ ભાજપના કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીએ કોંગ્રેસના નેતા અશોક ગેહલોત પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપના વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો મેદાનમાં છે. તમામ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. એક તરફ આપની વચનોની લ્હાણી, તો બીજી તરફ ભાજપના વિકાસના વાયદા. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ નવુ લાવી છે. 30 વર્ષ સુધી સરકાર બનાવી ન શકનાર ગુજરાત કોંગ્રેસે બીજા તબક્કાના મતદાન પહેલા એસટી-એસસી-ઓબીસી કાર્ડ ખેલ્યું છે. કોંગ્રેસ સત્તામાં આવે તો OBC મુખ્યમંત્રી, SC-ST તેમજ અલ્પસંખ્યક સમાજના 3 નાયબ મુખ્યમંત્રી બનશે તેવો સૂત્રોનો દાવો કર્યો છે. ત્યારે ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ અશોક ગેહલોત પર વાર કરતા કહ્યું કે, જેનાથી પાયલટ નથી સંભાળી શકાતા તે સરકાર બનાવવાની વાતો રહેવા દે.

આજે સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, ભાજપની કાર્યકર્તા હોવાના નાતે હું જનતાનો આભાર વ્યક્ત કરું છું. કાર્યકરો સતત કહે છે ફરી મોદીની સરકાર બનશે. ગઈકાલે મતદાન મથક પર સારું મતદાન જોવા મળ્યું. બીજા તબક્કામાં પણ અમારી વિનંતી છે કે દરેક લોકો મત કરે જે આપણી જવાબદારી છે. ખાસ કરીને મહિલાઓ. કેમ કે મોદી સરકારમાં kg થી pg સુધી શિક્ષણ મફત મળશે. Ews માં આવતી  મહિલાઓને મફત ઇલેક્ટ્રિક સ્કુટી આપશે. આયુષ્ય યોજના હેઠળ 5 લાખ ની સેવા આપે છે અને પુન સરકાર બનતા તે રાશિ 10 લાખ કરવામાં આવશે. હું ગુજરાતમાં ઐતિહાસિક જીત થાય તે માટે હું અભિનંદન આપું છું. મતદારે મત આપી આધિકારની સાથે જવાબદારી પણ પૂર્ણ કરવી જોઈએ. ધોરણ 9 થી 12 સુધી વિદ્યાર્થીઓને સાયકલ મફત મળશે. સિનિયર સિટીઝન મહિલાઓને મફત બસ સેવા મળશે. 

તો આ વચ્ચે કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટે દાવો કરીને ભાજપ અને આપ ગુજરાતના પેટમાં તેલ રેડ્યુ છે. સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ નિર્ણય લેવાયો છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ અશોક ગેહલોત પર સ્મૃતિ ઈરાનીએ શાબ્દિક પ્રહાર બોલાવ્યા હતા. તેમણે કહ્યું કે, જેમનાથી પાયલટ સાહેબ સંભાળી શકાતા નથી, તેઓ ગુજરાતની ચિંતા છોડી દે તો સારું છે. લોકોને ખબર છે કે ભાજપ આવશે. યોગ્ય મુદ્દાઓ ચૂંટણીમાં અમે લઈને આવ્યા છીએ, વિપક્ષ કયો ઠોસ મુદ્દો લઈને આવ્યા છે એ બતાવો. કોંગ્રેસે નરેન્દ્ર મોદીને ગોળી આપવાનું છોડીને બીજા કયા મુદ્દા ઉપાડ્યા છે. આ સમગ્ર ચૂંટણીમાં ગાંધી પરિવારે ગુજરાતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્યારે એવુ તો નથી ને કે તેમના કાર્યકર્તા અને તેમના મતદારોએ કોંગ્રેસનો બહિષ્કાર કર્યો હોય. ભાજપના કાર્યકર્તા હોવાને નાતે અમે કહીએ છીએ, મતને અધિકારીની દ્રષ્ટિએ ન જુઓ, પણ જવાબદારી તરીકે જુઓ. 

(5:38 pm IST)