Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

રાજકોટની વિધાનસભા બેઠકો ઉપર ઇવીએમમાં ચેડા થવાનો કોંગ્રેસ અને ‘‘આપ’’ને ડરઃ મત ગણતરી સ્‍થળ કણકોટ એન્‍જીનીયરીંગ કોલેજમાં કાર્યકરો દ્વારા સતત મોનીટરીંગ

- પોલીસ બંદોબસ્‍ત હોવા છતા કોંગ્રેસ અને ‘‘આપ’’ના ભરોસો નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ રાજકોટમાં હાલ કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે જીલ્લાભરના ઇવીએમ અને વીવીપેટ સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તંત્ર દ્વારા પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તંત્ર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા ઉપર પૂરતો ભરોસો નથી. અને ઇવીએમ હેક થવાનો ડર સતાવતો હોવાથી સ્ટ્રોંગરૂમની બહાર જ ડિજિટલ સિક્યુરિટી રાખવામાં આવી છે. સાથે કાર્યકરો દ્વારા રાત-દિવસ બાજનજર પણ રાખવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતેનાં સ્ટ્રોંગ રૂમ બહાર વિપક્ષનાં નેતાઓએ ડિજિટલ સિક્યુરીટી ગોઠવી દીધી છે. જેમાં કોંગ્રેસે એક જીપમાં CCTV ગોઠવી જીપ કોલેજ બહાર મુકવામાં આવી છે. સાથે જ કાર્યકરો દ્વારા રાત-દિવસ કોલેજ આસપાસ થતી તમામ હિલચાલ પર બાજનજર પણ રાખવામાં આવી રહી છે. તો આમ આદમી પાર્ટી દ્વારા પણ સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. સાથે વિપક્ષનાં કાર્યકરોનાં ખાસ પાસ કઢાવી સ્ટ્રોંગ રૂમની અંદર પણ 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઇવીએમ હેક થયાની અનેક ફરિયાદો કરવામાં આવી ચૂકી છે. જોકે આવી ફરિયાદો અંગે ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નેતાઓ કોઈપણ કચાશ રાખવા માંગતા નથી. તેમજ આ વખતે મતદાનની ટકાવારીમાં મોટો ઘટાડો થતા જ વિપક્ષને પરિવર્તનની આશા જાગી છે. જેને લઈ ખાસ વિપક્ષ દ્વારા સ્ટ્રોંગરૂમની અંદર અને બહાર 24 કલાક નજર રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આગામી 8 તારીખ સુધી 24 કલાક સતત નજર રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

(9:35 pm IST)