Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

સુરતના ડાયમંડ અને રિયલ એસ્‍ટેટ સાથે જોડાયેલ ઉદ્યોગપતિઓને ત્‍યાં આવકવેરા વિભાગ દ્વારા બીજે દિવસે સર્ચ ઓપરેશન યથાવતઃ ૭ કરોડના દાગીના અને રૂપિયા મળ્યા

- ૧પ૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસનો ધમધમાટ

સુરત, તા.૩, સુરતમાં ડાયમંડ અને બિલ્‍ડર ગૃપ ઉપર બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ છે અને ૭ કરોડના જવેલરી અને રોકડા મળતા તપાસનો ધમધમાટ છે. 

સુરત શહેરમાં ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને નિવાસ સ્થાન સહિત ઓફિસ પર આજે સતત બીજા દિવસે ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા યથાવત્ રહેવા પામ્યા હતા. વિધાનસભાની પહેલા તબક્કાની ચુંટણી પૂર્ણ થયા બાદ જ હરકતમાં આવેલા ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં ૩૦ અલગ અલગ સ્થળોએ દરોડાની કામગીરીને પગલે હીરા અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

આજે સતત બીજા દિવસે દરોડાની કામગીરી દરમ્યાન અલગ - અલગ ઠેકાણેથી સાત કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ ૨કમ મળી આવી છે. આ સિવાય જમીન ખરીદ – વેચાણ અને મોટા પાયે શેર બજારમાં રોકાણના ડોક્યુમેન્ટ્સ પણ મળવા પામ્યા છે. જેને પગલે આગામી દિવસોમાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડાને પગલે મોટા પાયે કાળુ નાણુ મળી આવે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 

ઈન્કમ ટેક્સ વિભાગના ડીડીઆઈ વિંગના ૧૫૦થી વધુ અધિકારીઓ - કર્મચારીઓ દ્વારા ગઈકાલે વહેલી સવારથી જ શહેરમાં ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા ભાવના જેમ્સ અને ધાનેરા ડાયમંડ સહિત ૨મેશ વઘાસિયા, નરેશ વીડિયો અને અરવિંદ બિચ્છુવા સહિતના ઉદ્યોગપતિ-બિલ્ડરોને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ તમામ ઉદ્યોગપતિઓ ઈન્કમ ટેક્સ વિભાગના રડારમાં હોવાને કારણે મોટા પાયે બેનામી મિલ્કતો અને રોકડ રકમ મળી આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવીરહી હતી.

બીજી તરફ ઘણા સમય બાદ હરકતમાં આવેલા ઈન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહીને પગલે આ ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગપતિઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અલબત્ત, આ દરમ્યાન આજે સવારે જાણવા મળતી માહિતી અનુસાર શહેરમાં ૩૦ જેટલા સ્થળોએ છેલ્લા ૨૪ કલાકથી ચાલી રહેલી સર્ચની કામગીરી દરમ્યાન સાત કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ રકમ સહિત કરોડો રૂપિયાની જમીન ખરીદ - વેચાણના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. આ સિવાય ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલી પેઢીઓમાં બેનંબરી હીરાની ખરીદ વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે

(9:49 pm IST)