Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

આર્થિક તંગીના પગલે પ્રભુતામાં પગલા પડવા માટે અસમર્થ માનસિક દિવ્‍યાંગ યુગના લગ્‍નનું સ્‍વપ્‍ન સુરતના રાંદેર પોલીસે પુરૂ કર્યુ

છેલ્‍લા ઘણા સમયથી લગ્‍નની ઇચ્‍છા ધરાવનાર દંપતિના ભવાની શંકર મહાદેવ મંદિરે વિવાહ

સુરત, તા.૩, સુરતમાં માનસિક દિવ્‍યાંગ યુગલના લગ્‍ન રાંદેર પોલીસે કરાવને તેનું સ્‍વપ્‍ન પુરુ કર્યુ છે.

આર્થિક તંગીને પગલે પ્રભુતામાં પગલા પાડવા માટે અસમર્થ મુકબધિર યુગલના સપ્તપદીના ફેરા ફરવાનું સ્વપ્ર રાંદેર પોલીસ દ્વારા પુરૂં કરવામાં આવ્યું છે. અભ્યાસ દરમ્યાન એકબીજાના સંપર્કમાં આવેલા મુકબધિર યુવક – યુવતી છેલ્લા ઘણા સમયથી લગ્નગ્રંથિથી જોડાવવા ઈચ્છતા હતા. જો કે, તેઓની આર્થિક સ્થિતિ આ સ્વપ્ર પુરૂં કરવામાં અવરોધક સાબિત થતાં યુવતી દ્વારા SHE ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે રાંદેર પોલીસ દ્વારા આ યુગલના ભવાનીશંકર મહાદેવ મંદિરમાં ધામધૂમથી વિવાહ કરાવવામાં આવ્યા હતા.

પાલનપુર પાટિયા ખાતે રહેતી ૧૯ વર્ષીય યુવતી સુમન વિસાવેદ અને પાંડેસરા ખાતે રહેતા ૨૨ વર્ષીય ચિરાગ પટેલની પહેલી મુલાકાત મુકબધિર શાળામાં થઈ હતી. પહેલી મુલાકાત બાદ આ બન્ને પ્રેમમાં પડ્યા હતા અને આજીવન સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જો કે, પરિવારજનોની મરજી સાથે લગ્નગ્રંથિથી જોડાવવા માટે તૈયાર આ બન્ને યુગલની આર્થિક સ્થિતિ ન હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લગ્નના અરમાનો પુરા થઈ રહ્યા ન હતા.

આ દરમ્યાન સુમન દ્વારા સમગ્ર પ્રકરણ અંગે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં એક વિશેષ શાખા સી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં યુવતી સુમન દ્વારા સમગ્ર હકીકત જણાવતાં મહિલા પોલીસ મમતાબેન દ્વારા રાંદેર પીઆઈ અતુલ સોનારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એક તરફ ચુંટણીની દોડાદોડી અને બીજી તરફ આ યુગલના અરમાનો પુરા કરવા માટે રાંદેર પોલીસ પણ કોઈ કચાસ બાકી રાખવા માંગતી ન હતી. અલબત્ત, ચુંટણી પુરી થતાં જ વાજતે – ગાજતે આ બન્ને યુગલને પ્રભુતામાં પગલાંપાડવા માટે રાંદેર પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આજે તાપી નદીના કાંઠે આવેલા ભવાનીશંકર મહાદેવ મંદિરમાં બન્ને પરિવારના ૧૫૦ જેટલા મહેમાનોની હાજરીમાં ધામધૂમથી લગ્નવિધિ સમ્પન્ન કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાવવામાં આવેલા આ વિવાહ પ્રસંગમાં હાજર તમામે તમામ મહેમાનો પણ આ દ્રશ્ય જોઈને ભાવવિભારો બન્યા હતા.

(9:51 pm IST)