Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કાલે સાહેબ આવવાના છે, તમારે આવવાનુ છે, તમારા ગાડીવાળાને હું પૈસા પહોંચાડી દઇશ, આપણી સામે કોઇ પક્ષ છે જ નહીં, તમારા ૩ હજાર વોટ પાડી જ દેવાના છે, પ.-રપ વોટ બીજે નાંખશો તો ગાયમાતાનો શ્રાપ લાગશે- ભાથીજીના વિરોધીને સાપ કરડશેઃ પંચમહાલના કાલોલના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણનું વિવાદિત નિવેદન

વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં અજીબોગરીબ નિવેદન કરતા ભારે ચર્ચા

પંચમહાલ, તા.૩, પંચમહાલ જીલ્‍લાના કાલોલના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે વિવાદિત નિવેદન કરતા ભારે ચર્ચા જાગી છે.

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં મોટાભાગના ઉમેદવારોએ બોલવામાં મર્યાદા વટાવી છે. કેટલાકે આખી ચૂંટણી વિવાદિત નિવેદનો આપ્યા છે, ત્યારે પંચમહાલના કાલોલના ભાજપ ઉમેદવારનો અજીબોગરીબ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે એક જાહેર સભામાં કહ્યું કે, ‘આવતીકાલે સાહેબ આવવાના છે, તમારે આવવાનું છે. તમારા ગાડીવાળાને હું પૈસા પહોંચાડી દઈશ. આપણી સામે કોઈ પક્ષ છે જ નહી. તમારા 3000 વોટ પાડી જ દેવાના છે. 5-25 વોટ બીજે નાંખશો તો ગાયમાતાનો શ્રાપ લાગશે. ભાથીજીના વિરોધી હોય તેને ચોમાસામાં સાપ થઈને કરડશે.’ ત્યારે ફતેસિંહ ચૌહાણના વીડિયો બાદ કાલોલમાં રાજકીય ગરમાવો વધ્યો.  

કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણના ભાષણનો વીડિયો વાયરલ થયો છે. ફતેસિંહ પોતાના ભાષણમાં કહી રહ્યાં છે કે, આવતીકાલે સાહેબ આવાના છે તમારે આવવાનું છે. કોઈએ પોતાના પૈસા ખર્ચી આવવાનું નથી, તમારી ગાડીવાળાને હું પૈસા પહોંચાડી દઈશ. 100% મતદાન કરવાનું છે. આપણી સામે કોઈ પક્ષ છે જ નહીં અને બુથમાં બોગસ કરો કે જે કરો તે તમારા 3000 વોટ પાડી જ દેવાના. પરિણામ નક્કી જ છે અને બીજે કોઈ 5-25 વોટ નાંખી દેશો તો એને ગાય માતાનો શ્રાપ લાગવાનો છે. કોંગ્રેસ અને કેજરીવાલ બેય પાર્ટીઓ ગાય ખાવાવાળી છે. ભાથીજીના વિરોધી હોય એને ચોમાસામાં સાપ થઈને કરડજે. 

આજે બીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ફતેસિંહ ચૌહાણ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. આજે ફતેસિંહે પ્રચારના અંતિમ દિવસે એડીચોંટીનું જોર લગાવી પ્રચાર કરી રહ્યાં છે. ફતેસિંહ ચૌહાણે પોતાના કાર્યકરો સાથે બાઇક ચલાવી રેલીની આગેવાની લીધી હતી. 

ભાજપના પૂર્વ અને હાલ કોંગ્રેસમાં જયનારાયણ વ્યાસ તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસ માટે પ્રચાર કરતા સમયે તેમની જીભ લપસી હતી. સિદ્ધપુરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં સભા યોજી હતી. જેમાં જયનારાયણ વ્યાસ ‘અટલ, અડવાણીની આ કોંગ્રેસ નથી’ તેવુ બોલ્યા હતા. વર્ષોથી ભાજપનો સાથ આપનાર જયનારાયણ વ્યાસ આદતવશ ભૂલ કરી બેસ્યા હતા. જો કે બાદમાં તરજ જ કહ્યું હતું કે, 'અટલ-અડવાણીની ભાજપ નથી. બીજી પાર્ટીઓમાં કોઈ ફરક નથી એટલે કોંગ્રેસ છોડી. હું ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયો. આમ, એક સમયના ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપે 2000 પછી નવો અવતાર ધારણ કર્યો છે. 

(11:04 pm IST)