Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

નર્મદા જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સીનેશન આપવાની કામગીરીનો પ્રારંભ

(ભરત શાહ દ્વારા) કોરોના સામે રક્ષણ આપવા માટે ગુજરાતમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસીકરણના આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ ૧૫ થી ૧૮ વર્ષની વયના ૨૭,૬૩૨ બાળકોને કોવિડ વેક્સિનેશનની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આજે બપોરે ૨:૩૦ કલાક સુધીમાં જિલ્લામાં ૨,૬૫૨ બાળકોનું રસીકરણ કરાયું હોવાનો અહેવાલ જિલ્લા આરોગ્યતંત્ર તરફથી પ્રાપ્ત થયો છે.

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા શહેરની નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના નવા વાઘપુરાની હાઇસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાએ કોવિડ વેક્સિનેશનના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
નવદુર્ગા હાઇસ્કુલ ખાતે યોજાયેલા કોવિડ વેક્સિનેશનના  કાર્યક્રમને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણાએ જણાવ્યું હતું કે, આજથી સમગ્ર જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વિરોધી વેક્સીન આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જિલ્લાના ૨૭,૬૩૨ જેટલા બાળકોને આવરી લેવાના આ મહાઅભિયાનમાં જિલ્લાની બધી શાળાઓમાં તાલુકા મથકે અને ગામડાઓમાં કેમ્પ શરૂ કરીને રસી આપવામાં આવી રહી છે.
નવદુર્ગા હાઇસ્કૂલના ૪૫૦ જેટલા બાળકોને પણ આ રસીકરણ હેઠળ આવરી લેવાયાં છે. તા. ૭ મી સુધીમાં જિલ્લાના તમામ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે, ત્યારબાદ તા. ૮ અને ૯ મી જાન્યુઆરીના રોજ બાકી રહેલા બાળકોની ખાસ ઝુંબેશ કરીને આ બાળકોની રસીકરણની કામગીરી પણ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે. નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે યોજાયેલા રસીકરણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની સાથે શાળાના સંચાલક નીમેષભાઈ પંડ્યા અને શાળાના આચાર્ય રીનાબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
 નવા વાઘપુરા ગામની શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે. પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.એ.કે.સુમન, શાળાના આચાર્ય પ્રદીપસિંહ સિંધા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં શાળાના બાળકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

(10:39 pm IST)