Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મકાનમાં ચાલતી એડવોકેટ ઓફિસ વાણિજ્યિક નહી પરંતુ વ્યવસાયિક પ્રવૃત્તિ : હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

સમગ્ર મિલ્કતને રેસીડેન્સીયલ ઉપયોગ તરીકે ગણીને નવેસરથી પ્રોપર્ટી ટેક્સ બીલ જારી કરવા હાઇકોર્ટનો હુકમ

અમદાવાદ :રેસીડેન્સીયલ સોસાયટીમાં આવેલા ટેનામેન્ટમાં ગ્રાઉન્ડ ફલોર પર ચાલતી એડવોકેટ ઓફિસને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસીડેન્સીયલ અને નોન રેસીડેન્સીયલના ધોરણે એક જ મિલ્કતના બે અલગ-અલગ ટેક્સ બીલ જારી કરતાં સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટે કાયદાકીય મુદ્દાની વિસ્તૃત છણાવટ કરી એડવોકેટ ઓફિસને કોમર્શીયલ એકટીવીટી(વાણિજિયક પ્રવૃત્તિ) નહી પરંતુ પ્રોફેશનલ એકટીવીટી(વ્યવસાયિક પ્રવૃત્તિ) ગણાવી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સમગ્ર મિલ્કતને રેસીડેન્સીયલ ઉપયોગ તરીકે ગણીને નવેસરથી પ્રોપર્ટી ટેક્સ બીલ જારી કરવા હુકમ કર્યો હતો. વધુમાં જો અપીલકર્તાએ બીલને લઇ કોઇ પેમેન્ટ કર્યું હોય તો, તે રકમ નવા બીલમાં એડજસ્ટ કરી આપવા પણ હુકમ કર્યો હતો.

હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ નીરલ મહેતાની ખંડપીઠે પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં ઠરાવ્યું હતું કે, અપીલકર્તાની રેસીડેન્સીયલ પ્રિમાઇસીસને રેસીડેન્સીયલ અને નોન રેસીડેન્સીયલ એમ બે ભાગમાં વિભાજીત કરી શકાય નહી અને તે ધોરણે પ્રોપર્ટી ટેકસની આકારણી કે નિર્ધારણ થઇ શકે નહી.

હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપરોકત મિલ્કતને રેસીડેન્સીયલ અને નોન રેસીડેન્સીયલના ધોરણે જારી કરાયેલા અલગ-અલગ ટેક્સ બીલની આકારણીને યથાયોગ્ય ઠરાવતાં અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટના હુકમને પણ રદબાતલ ઠરાવ્યો હતો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્પષ્ટ હુકમ કર્યો હતો કે, સમગ્ર મિલ્કતને રેસીડેન્સીયલ ઉપયોગ તરીકે ગણીને નવેસરથી પ્રોપર્ટી ટેક્સ બીલ જારી કરવું.

શહેરના પાલડી વિસ્તારમાં ન્યુ શારદા મંદિર રોડ પર આવેલ શારદા સોસાયટી ખાતે આવેલ રેસીડેન્સીયલ મિલ્કતના વિવાદમાં અપીલકર્તા દ્વારા ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ-1949ની કલમ-411 હેઠળ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી. આ અપીલ મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપરોકત વિવાદીત મિલ્કતની રેસીડેન્સીયલ અને નોન રેસીડેન્સીયલના ધોરણે જારી કરાયેલા અલગ-અલગ ટેક્સ બીલની જે આકારણી કરવામાં આવી હતી, તેને બહાલ રાખતા અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટના હુકમને અપીલકર્તા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

અપીલકર્તા તરફથી એડવોકેટ શાર્વિલ પી.મજમુદારે રજૂઆત કરી હતી કે, ઉપરોકત વિવાદીત મિલ્કત એ વાસ્તવમાં એક માળનું મકાન છે. જે કુલ 171.65 ચો.મીનું છે., જેમાં ફર્સ્ટ ફલોરનું ક્ષેત્રફળ 80.84 ચો.મી છે. જયારે ગ્રાઉન્ડ ફલોરનું ક્ષેત્રફળ 90.81 ચો.મી છે. આ ટેનામેન્ટનો ફર્સ્ટ ફલોર રેસીડેન્સીયલ હેતુ માટે ઉપયોગમાં લેવાય છે, જયારે ગ્રાઉન્ડ ફલોર પર એડવોકેટ હરેશકુમાર રમણલાલ શાહની ઓફિસ આવેલી છે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ટેનામેન્ટમાં ગ્રાઉન્ડ ફલોરના હિસ્સાને નોન રેસીડેન્સીયલ પ્રિમાઇસીસ ગણીને એક ટેક્સ બીલ જારી કર્યું હતું, જયારે બીજું ટેક્સ બીલ ફર્સ્ટ ફલોર માટે રેસીડેન્સીયલના ધોરણે જારી કર્યું હતું.

અપીલકર્તા તરફથી એડવોકેટ શાર્વિલ પી.મજમુદારે હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, વાસ્તવમાં આ સમગ્ર ટેનામેન્ટ એ રેસીડેન્સીયલ પ્રિમાઇસીસ છે, માત્ર ગ્રાઉન્ડ ફલોર પર ઓફિસ આવેલી છે, તેને લઇને પ્રોપર્ટી ટેક્સની આકારણીના હેતુસર તેને અલગ ગણીને નોન રેસીડેન્સીયલ પ્રિમાઇસીસ ગણી શકાય નહી. સ્મોલ કોઝ કોર્ટે પણ આ મિલ્કતને રેસીડેન્સીયલ અને નોન રેસીડેન્સીયલ પ્રિમાઇસીસ તરીકે માન્ય રાખીને તેના હુકમમાં ગંભીર ભૂલ કરી છે. રેસીડેન્સીયલ પ્રિમાઇસીસનો અમુક હિસ્સો એડવોકેટ ઓફિસ તરીકે ઉપયોગમાં લેવાય છે, તેને કોમર્શીયલ પ્રવૃત્તિ ગણી શકાય નહી પરંતુ તે વાસ્તવમાં વ્યવાસાયિક પ્રવૃત્તિ હોઇ શકે.

ગુજરાત હાઇકોર્ટે કનુભાઇ શાંતિલાલ પંડયાના કેસમાં આપેલ મહત્વના ચુકાદા અને સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ટાંકીને એડવોકેટ શાર્વિલ પી.મજમુદાર દ્વારા મહત્વની દલીલ રજૂ કરવામાં આવી હતી કે, માત્ર એડવોકેટ ઓફિસ હોવાના કારણે રેસીડેન્સીયલ પ્રિમાઇસીસની નોન રેસીડેન્સીયલ તરીકે ગણીને ટેક્સની આકારણી કરવી બિલકુલ યોગ્ય કે વાજબી નથી અને તેમ કરી શકાય નહી. કારણ કે, એડવોકેટ ઓફિસ એ કોમર્શીયલ નહી પરંતુ વ્યવસાયિક પ્રવૃત્તિ છે. આ સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રેસીડેન્સીયલ અને નોન કોમર્શીયલના ધોરણે મિલ્કતની કરાયેલી પ્રોપર્ટી ટેક્સની અલગ-અલગ આકારણી અને આ આકારણીને યોગ્ય ઠરાવતાં અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટના હુકમને હાઇકોર્ટે ગેરકાયદે અને રદબાતલ ઠરાવવા જોઇએ. અપીલકર્તા તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખીને ગુજરાત હાઇકોર્ટે ઉપરોકત મહત્વનો ચુકાદો જારી કર્યો હતો.

(11:10 pm IST)