Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વિધાનસભાની ચૂંટણીની તૈયારી:ભાજપ દ્વારા એક દિવસ, એક જિલ્લો નામે નવી પહેલ : કાલે કમલમમાં યોજાનારી બેઠકમાં ઘડાશે રણનીતિ

બેઠકમાં ભાજપના તમામ સાંસદ - ધારાસભ્યોને હાજર રહેવા સુચન: પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક આખો દિવસ એક જિલ્લા માટે ફાળવશે: બેઠકમાં પ્રવાસ અંગે થશે ગહન ચર્ચા

અમદાવાદ : રાજ્યમાં ભાજપ દ્વારા હવે એક દિવસ, એક જિલ્લો નામની એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે.આ આયોજન અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક આખો દિવસ એક જિલ્લા માટે ફાળવશે.જેના આયોજન માટે આવતીકાલે એટલે કે બુધવારે કમલમમાં યોજાનારી બેઠકમાં પ્રવાસ અંગે થશે ગહન ચર્ચા થશે તેમાં ભાજપના તમામ સાંસદ - ધારાસભ્યો, સંગઠનના પદાધિકારી, હોદ્દેદારોને પણ કમલમની બેઠકમાં હાજર રહેવા સુચન આપી દેવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીની તૈયારી ગુજરાત ભાજપે અત્યારથી જ આદરી દીધી છે ત્યારે પહેલાથી ભાજપ આંતરિક વિખવાદ દૂર કરવાના હેતુસર આ આયોજનના સોગઠાં ગોઠવી દેવામાં આવ્યા છે. અંદર ખાને આવનારી ચૂંટણી માટે મુરતિયા શોધવા માટે એક સેન્સની પ્રક્રિયા અલગ નામ આપી કરવામાં આવી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. જેથી તમામ જિલ્લાઓમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ ખુદ જઈ ગ્રામ્ય, તાલુકા અને જીલ્લા સ્તરની કચાશ દૂર કરવા પ્રયાસ કરશે.

ભાજપના મિશન 182 અંતર્ગત નવો અભિગમ અપનાવ્યો છે જેમાં દરેક જિલ્લાઓમાં એક-એક દિવસનો પ્રવાસ કરશે ,ચૂંટાયેલા પાંખ, સંગઠનના નેતા, મંડળસરના નેતાઓને મળશે, સામાન્ય-સક્રિય અને પ્રાથમિક કાર્યકરો સાથે મુલાકાતો કરશે,ભાજપના જૂના નેતાઓ સાથે પણ રૂબરૂ ચર્ચાઓ કરશે

આગામી 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે અત્યારથી જ ભાજપ દ્વારા રણનીતિપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યકર્તાઓની સાથે પાર્ટીના અગ્રણીઓને પણ એક જૂથમાં રાખવા અને તેમના સમસ્યાઓ અને પ્રશ્નોને સાંભળવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહામંત્રી અને મોટા નેતાઓ જિલ્લામાં 24 કલાક રોકાણ કરશે. જે તે જિલ્લામાં સામાન્ય લોકો, પાર્ટીના કાર્યકર્તાઓ, સંઘના આગેવાનો, ઉદ્યોગપતિઓ સાથે ચર્ચાઑ કરવામાં આવશે. સાથે જ કાર્યકરની તકલીફો પર વિશેષ ધ્યાન આપી તેણે અલગથી સાંભળવામા આવશે

(11:13 pm IST)