Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કોરોનામાં વધારો થતાં ટ્યુશન કલાસીસ ફરીવાર બંધ થશે?

શહેરમાં ૪૫૦૦થી વધુ ટ્યુશન કલાસ ધમધમી રહ્યા છે : જે કલાસીસ સંચાલકો ગાઈડલાઈનનું પાલન નહિંં કરે તેની સામે કાર્યવાહી કરવાના અદેશો આપી દેવામાં આવ્યા છે

અમદાવાદ,તા.૩ : અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસ ૨ હજારને પાર પહોંચી ગયા છે અને શહેરમાં તમામ જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિ કરતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ કાર્યવાહી શરૂ કરી છે. બીજીતરફ શાળાઓમાં વિધાર્થીઓના સંક્રમણના કેસો સામે આવતા સંચાલકોએ સ્વૈચ્છિક રીતે પ્રાયમરી શાળાઓ બંધ કરી છે.

બીજીતરફ ટ્યુશન કલાસીસ બેફામ રીતે ધમધમી રહ્યા છે ત્યારે  વધતા કેસને જોતા ફરી એકવાર ટ્યુશન કલાસ બંધ થવાના એંધાણ આવી ગયા છે. જે કલાસીસ સંચાલકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિંં કરે તેની સામે કાર્યવાહી કરવાના અદેશો પણ આપી દેવામાં આવ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની પકડ મજબૂત બની રહી છે.

ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસમાં અલગ અલગ શાળાઓમાં ૧૮થી વધુ બાળકો કોરોના સંક્રમિત થયાનાં કેસ સામે આવ્યા છે. જોકે આવી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જરૂરી સૂચનો કરી ઓફલાઇન શિક્ષણ કાર્ય બંધ કરવાની સૂચનાઓ આપી છે. તો અમદાવાદ પશ્ચિમની કેટલીક શાળાઓએ ધોરણ ૧થી ૮ની સ્વૈચ્છીક રીતે સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ છે. કોરોનાના કેસો મામલે રિવ્યુ કરી પછી ફરી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરશે. જોકે આ બધામાં બેફામ રીતે ધમધમી રહેલા કોચિંગ કલાસ ટયુશન કલાસ સામે હવે તવાઈ આવી શકે છે. રાજ્યમાં ૧૫ હજારથી વધુ ટ્યુશન કલાસ અને અમદાવાદમાં ૪૫૦૦થી વધુ ટ્યુશન કલાસ ધમધમી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ શહેરના વિવિધ ખાણી પીણીની જગ્યાઓ પર જઈ માસ્ક નહિ પહેરનાર લોકો કે નિયમોનું પાલન નહીં કરનાર લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. તેવી જ રીતે હવે અધિકારીઓ ટ્યુશન ક્લાસમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરશે. જો ટ્યુશન ક્લાસમાં નિયમોનું પાલન નહિ થતું હોય તો ટ્યુશન કલાસ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

તો એટલું જ નહીં શહેરમાં ચાલતા ટ્યુશન કલાસ ખૂબ જ કન્ઝસ્ટેડ જગ્યામાં ચાલતા હોય છે. આવી જગ્યામાં નિયમોનું કોઈ પાલન થતું નથી. જો આગામી સમયમાં વિધાર્થીઓના સંક્રમણ કેસોમાં વધારો સામે આવશે તો શક્ય છે. ટ્યુશન કલાસીસ બંધ કરવામાં આવે કે, પછી નિયમોનું પાલન નહીં કરનારા ટ્યુશન કલાસ સીલ કરી દેવામાં આવે.

(8:46 pm IST)