Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ૬૭ ટકાથી ઘટીને ૩૨ ટકા

જિલ્લા પંચાયતની શાળાઓમાં ધો. ૧ થી ૫માં ૮૦૧૮૪ અને ધો. ૬ થી ૮માં ૪૬૩૯૦ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે : કોરોનાએ ફરી ફુંફાડો મારતા વાલીઓ ચિંતિત : ફરી ઓનલાઇન શિક્ષણ તરફ ઝોક : વર્ગ શિક્ષણ ફરજીયાત નહિ

રાજકોટ તા. ૪ : રાજ્‍યમાં કોરોના મહામારીએ ફરી ઉથલો મારતા પ્રાથમિક શાળાઓમાં વર્ગ શિક્ષણ પર તેની અસર પડી છે. દિવાળી પછી ધો. ૧થી યુનિવર્સિટીઓ સુધીનું શિક્ષણ રાબેતા મુજબ થઇ ગયેલ. વિદ્યાર્થીઓની હાજરી સતત વધતી જતી હતી. થોડા સમયમાં પરિસ્‍થિતિ સંપૂર્ણ પૂર્વવત થઇ જવાની આશા હતી તે જ વખતે ડીસેમ્‍બર મધ્‍યથી અચાનક કોરોનાના કેસ વધવા લાગતા શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટવા લાગી છે. સરકારે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા શાળાઓને સૂચના આપી છે. વિદ્યાર્થીઓ માટે વર્ગ શિક્ષણ ફરજીયાત નથી. ઘરે બેઠા ઓનલાઇન પણ ભણી શકે છે.
રાજકોટ જિલ્લામાં નગરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોની શાળાઓમાં દિવાળી પછી વિદ્યાર્થીઓની સંખ્‍યા વધવા લાગેલ. ધો. ૧ થી ૮ સુધીમાં સરેરાશ હાજરી વધીને ૬૭ ટકા સુધી પહોંચી ગયેલ. અમુક શાળાઓમાં તો વિદ્યાર્થીઓની હાજરી ૯૦ ટકા સુધી થઇ ગયેલ. ફરી કોરોનાએ માથું ઉંચકતા વાલીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્‍યા એકધારી ઘટી રહી છે. ગઇકાલની સ્‍થિતિએ રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી ૬૭ ટકાથી ઘટીને ૩૨ ટકા સુધી પહોંચી ગઇ છે. હજુ પણ વર્ગ શિક્ષણમાં હાજરી ઘટવાની સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં જિલ્લા પંચાયતની શાળાઓમાં ધો. ૧ થી ૫માં ૮૦૧૮૪ અને ધો. ૬ થી ૮માં ૪૬૩૯૦ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ખાનગી શાળાઓમાં ધો. ૧ થી ૫માં ૬૨૭૭૩ અને ધો. ૬ થી ૮માં ૩૫૨૫૯ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.


 

(2:38 pm IST)