Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

૨૦૨૧માં લાંચના ૧૭૩ કેસ : ૧૦ કલાસ વન સહિત કુલ ૨૮૭ આરોપી ઝડપાયા

૨૦૨૧ દરમિયાન ૩૯૩૯ ફરિયાદનો નિકાલ કરાયોઃ ટોલ ફ્રી પર ૧૧૬ ફરિયાદ મળી : વર્ષ ૨૦૨૧માં ACBએ અમદાવાદના પોલીસકર્મીને ૫૦ લાખની લાંચ લેતા પકડ્યાઃ ગાંધીનગરમાં કલાસ-૨ અધિકારીને ત્યાંથી ૨.૨૭ કરોડની રોકડ રકમ કબજે કરી

અમદાવાદ, તા.૪: ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ૨૦૨૧માં ૧૭૩ કેસ સાથે ૨૮૭ આરોપી ઝડપી પાડ્યા છે, જેમાં ૧૦ કલાસ વન અધિકારીનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ દરમિયાન ૩૯૩૯ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ૩૧૮ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ACBની હેલ્પલાઈને ૧૦૬૪ પર લોકો ફરિયાદ કરતા થાય તે માટે ખાસ કવાયત કરવામાં આવી રહી છે, પરંતુ વર્ષ દરમિયાન હેલ્પલાઈન પર માત્ર ૧૧૬ ફરિયાદો જ મળી અને તે પૈકી ૨૫ કેસમાં જ ટ્રેપ સફળ થઈ હતી.

૨૦૨૧માં ACB દ્વારા અમદાવાદ રેન્જની આર.આર. સેલના પોલીસ કર્મચારી પ્રકાશસિંહ રાઓલને ૫૦ લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો. જે ગુજરાત એસીબીની સૌથી મોટી રકમની લાંચનો કેસ છે. આ દ્યટના બાદ રાજયના તમામ રેન્જી આઈજી દ્વારા પોતાના આર આર સેલનું વિસર્જન કરી દેવાનો ડીજીપી દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગાંધીનગર એસીબીની ટીમે સર્વશિક્ષા અભિયાનના કલાસ-૨ અધિકારી નિપણ ચંદ્રવદન ચોકસીના રિમાન્ડ દરમિયાન તેમના લોકર સર્ચ કરરતા તેમાંથી ૨.૨૭ કરોડ રોકડ મળી આવ્યા હતા. જે ACBના ઈતિહાસની સૌથી મોટી રકમ હોવાનું સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એસીબી દ્વારા ૨૦૨૧માં અપ્રમાણસર મિલકતના કુલ ૧૧ કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૫૬,૬૧,૯૮,૪૪૦ અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં આવી છે. જયારે ગત વર્ષ ૨૦૨૦માં એસીબીની ટીમે કુલ ૫૦,૧૧,૧૨,૮૨૪ના અપ્રમાણસર મિલકતો શોધી કાઢી હતી. આ જોતા ૨૦૨૧માં ગત વર્ષની સરખામણીએ વધારાની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

(3:46 pm IST)