Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ઉર્જા વિભાગની ભરતી કૌભાંડના આરોપ બાદ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીનું નિવેદનઃ માહિતી એકત્ર કરીને ભૂતકાળમાં પગલા લીધા છે તેવા પગલા લેવાશે

ઓનલાઇન પરિક્ષા હતી છતાં પણ તપાસ કરીને પગલા લેવાશે

ગાંધીનગર: ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ બાદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભરતી કૌભાંડ વિશે માહિતી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે જેટકો દ્વારા જુનિયર એન્જિનિયર અને સિવિલ અને એલેન્ટિકની 352 જગ્યાઓની ભરતી અને 500 જેટલા વેઈટિંગ એમાં રાખવાની જોગવાઈ છે.

જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યના 22 સેન્ટરો પરથી આજથી પરીક્ષા શરૂ થઈ છે અને 7 જાન્યુઆરી સુધી આ પરીક્ષા લેવાનારી છે. લગભગ 34 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. મુંબઈની કંપની દ્વારા ભરતી થઇ રહી છે. આ જ કંપની રેલવે પોલીસ ભારત પેટ્રોલીયમ માટે પણ કામ કરે છે. ભરતી પ્રક્રિયા પારદર્શક બની રહે તે માટે જેટલા સેન્ટર છે ત્યાં સીસીટીવી અને વિડિયો ગ્રાફી ઉર્જા વિભાગ દ્વારા કરાયેલ છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક પરીક્ષા લેવાનો છે. તેમણે આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, જે માહિતી હશે તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે. યુવરાજ સિંહ દ્વારા ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ પર તેમણે જણાવ્યું હતું કે ઓન લાઇન પરીક્ષા હતી માટે જવાબ સાચા છે કે કેમ તે પણ ઉમેદવાર ઓનલાઇન જોઇ શકે છે. આજથી શરૂ થયેલી પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપ છે તેની તપાસ કરાશે.

યુવરાજ સિંહે ઉર્જા વિભાગમાં વિવિધ ભરતીઓમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ વચ્ચે અમે ઉર્જા મંત્રી સાથે આ અંગે વાત થઇ છે. આવતી કાલથી લેવાનાર બાકીની પરીક્ષામાં કોઇ ગેર રીતી ન થાય તે માટે પગલાં લેવાશે.

યુવરાજના આક્ષેપો બાદ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે, અને જો આક્ષેપ સાબિત થયા બાદ કસુરવારો સામે કાયદાકીય પગલા લેવાશે. બીજી બાજુ તેમણે ઉમેર્યું હતું કે અમે સુચનાઓ આપી છે તપાસ કરીને જે કસુરવાર હશે તેની સામે પગલાં લેવાશે. એક બે વ્યક્તિના કારણે તમામને દંડવા યોગ્ય નથી, બાકીની પરીક્ષા પારદર્શક રીતે લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્જામંત્રીને આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.

(4:33 pm IST)